રાજકોટ : પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વાઘણ ‘કાવેરી’ ફરી એકવાર માતા બની, બે બાળવાઘને આપ્યો જન્મ, જુઓ વિડીયો
2015થી રાજકોટ આવેલા નર વાઘ દિવાકર થકી ઝૂમાં અત્યાર સુધીમાં 17 બચ્ચા જન્મ્યા
સિંહના બદલામાં રાજકોટ લવાયેલા દિવાકર સાથે ગાયત્રી, યશોદા, કાવેરીને વાતાવરણ માફક આવી ગયું
રાજકોટ તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે ફરવા માટે એક ઉત્તમ સ્થળ બની ગયેલા પ્રદ્યુમન પાર્ક ઝૂનું વાતાવરણ વાઘ-વાઘણને ખાસ્સું માફક આવી ગયું હોય તેવી રીતે વાઘણ `કાવેરી’એ બીજી વખત બે બાળવાઘને જન્મ આપ્યો હતો. રાજકોટ ઝૂમાં 2015થી દિવાકર નામના વાઘને ભીલાઈ-છત્તીસગઢથી રાજકોટ લાવવામાં આવ્યો હતો જેના થકી અત્યાર સુધીમાં રાજકોટ ઝૂમાં કુલ 17 વાઘબાળનો જન્મ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. દિવાકર તેમજ વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાને અંતે 30 માર્ચે સાંજે બે વાઘ બાળનો જન્મ થયો હતો. માતા કાવેરી દ્વારા બચ્ચાઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે અને હાલ બન્ને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલાં દિવાકર અને વાઘણ યશોધરાના સંવનનથી 6-5-2015ના એક સફેદ બાળ વાઘ, દિવાકર અને વાઘણ ગાયત્રીના સંવનનથી 16-5-2015ના ચાર સફેદ બાળ વાઘ, દિવાકર અને વાઘણ ગાયત્રીના સંવનનથી 2-4-2019ના ચાર બાળ વાઘ, વાિદકર અને વાઘણ ગાયત્રીના સંવનનથી 18-5-2022ના બે બાળવાઘ, દિવાકર અને વાઘણ કાવેરીના સંવનનથી 5-12-2022ના બે બાળકો, દિવાકર અને વાઘણ ગાયત્રીના સંવનનથી 25-3-2024ના બે વાઘ બાળનો જન્મ થયા બાદ હવે દિવાકર અને વાઘણ કાવત્રીના સંવનનથી 30-3-2025ના બે બાળનો જન્મ થયો છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા મૈત્રીબાગ ઝૂ-ભીલાઈ (છત્તીસગઢ)ને એક સિંહ જોડી આપીને તેના બદલામાં સફેદ વાઘ દિવાકર, વાઘણ યશોધરા અને વાઘણ ગાયત્રીને રાજકોટ લાવવામાં આવી હતી. હાલ ઝૂમાં સફેદ વાઘબાળનો જન્મ થતાં વાઘની સંખ્યા દસ થઈ છે જેમાં ત્રણ નર, પાંચ માદા અને બે બાળવાઘનો સમાવેશ થાય છે.