6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”
દેશનું નામ હવે કાગળ પર પણ ‘ભારત’ જ દેખાશે! ‘India’ નહીં, હવે યુનિવર્સિટીઓની ડિગ્રી, માર્કશીટથી લઈને સાઇનબોર્ડ સુધી બધે ‘ભારત’ શબ્દનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. RSS સાથે જોડાયેલા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના અભિયાન બાદ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત સહિત અનેક રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ ‘India’ ને ‘ભારત’થી બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. જબલપુરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટીથી આ નવી શરૂઆત થઈ રહી છે.
રાણી દુર્ગાવતી યુનિવર્સિટીથી શરૂઆત, રાષ્ટ્રપતિ રહેશે હાજર
શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જબલપુરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે. આ યુનિવર્સિટી હવે આપતી તમામ ડિગ્રી અને માર્કશીટમાં હિન્દી-અંગ્રેજી બંનેમાં ‘ભારત’ લખશે. કુલપતિ રાજેશ કુમાર વર્માએ કહ્યું કે G-20માં ‘ભારત’ શબ્દના ઉપયોગ બાદ કાર્યકારી પરિષદે પ્રસ્તાવ પસાર કર્યો. “આપણે ભારતના લોકો છીએ, દેશનું અસલી નામ ભારત જ છે. India શબ્દ તો પછીથી આવ્યો”, એમ તેમણે જણાવ્યું. આ નિર્ણય બદલ યુનિવર્સિટીને 2025ના પ્રયાગરાજ મહાકુંભમાં સન્માન પણ મળ્યું હતું.
આ પણ વાંચો: ખેતી માટે વીજ પુરવઠો 8થી વધારીને 10 કલાક કરાયો
MPથી છત્તીસગઢ સુધી યુનિવર્સિટીઓની હારમાળા
ઇન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટી દાવો કરે છે કે તે MPની પહેલી યુનિવર્સિટી હતી જેણે ‘India’ ને ‘ભારત’થી બદલ્યું. કુલપતિ રાકેશ સિંઘાઈના કહેવા મુજબ જૂનો સ્ટોક ખતમ થતા જ નવી માર્કશીટ-ડિગ્રીમાં માત્ર ‘ભારત’ જ છપાશે. આ જ પગલે છત્તીસગઢની કેન્દ્રીય ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના કુલપતિ આલોક કુમાર ચક્રવાલે પણ જણાવ્યું કે હવે પછી છપાતી માર્કશીટમાં ‘ભારત’ લખવામાં આવશે. ગ્વાલિયરની રાજા માનસિંહ તોમર કલા યુનિવર્સિટીએ પણ કાર્યકારી પરિષદમાં સમાન નિર્ણય લીધો છે.
શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું મોટું અભિયાન
આ બધા નિર્ણયો પાછળ RSS સંબંધિત શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું અભિયાન છે. સંસ્થાના સભ્ય એમએલ ગુપ્તાએ કહ્યું કે “દેશ કે વ્યક્તિના બે નામ ન હોવા જોઈએ. ભારત હજારો વર્ષથી આપણું નામ છે. India નામ બ્રિટિશોએ સિંધુ નદી પરથી આપ્યું અને અપમાનજનક અર્થમાં વાપર્યું”. ન્યાસના દાવા મુજબ MP, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રની 17 યુનિવર્સિટીઓએ ઓફિશિયલ કામકાજમાં માત્ર ‘ભારત’ વાપરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. RSS પ્રમુખ મોહન ભાગવતે પણ કોચ્ચિના શિક્ષણ સંમેલનમાં કહ્યું હતું કે “ભારત, ભારત જ છે – તેનો અનુવાદ ન કરવો જોઈએ”.
બંધારણ શું કહે છે?
બંધારણના અનુચ્છેદ 1માં દેશને “India that is Bharat” કહેવામાં આવ્યો છે, એટલે બંને નામ સત્તાવાર છે. 2023માં G-20 ડિનરનું આમંત્રણ ‘President of Bharat’ તરીકે હતું, અને 2026ના પ્રજાસત્તાક દિવસના મેમોરેન્ડમમાં ‘ભારત સરકાર’ લખાયું હતું. પરંતુ સરકાર હજુ પણ ‘Make in India’, ‘Startup India’ જેવી યોજનાઓમાં ‘India’ શબ્દ વાપરી રહી છે. હવે યુનિવર્સિટીઓના આ નિર્ણયથી ડિગ્રીના કાગળ પરથી ‘India’ ધીમે ધીમે ગાયબ થઈ ‘ભારત’નું આગમન થઈ રહ્યું છે.
