દિલ વિના લાખો મળે એને સભા નથી કહેતા : શું થયું ઈન્ડિયા ગઠબંધન સાથે ? વાંચો
પરિણામ બાદ આંતરિક મતભેદો વધ્યા, અખિલેશ, મમતા, નીતિશ,હેમંત સોરેન
સહિતના નેતાઓ ગેરહાજર રહેવાના હતા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ચૂટણીના પરિણામ બાદ મહાગઠબંધન ઇન્ડિયામાં માતમ છવાયું છે અને અંદરોઅંદર લડાઈ થઈ રહી છે અને કોંગ્રેસનું મહત્વ ઘટી રહ્યું છે. આંતરિક મતભેદોને પગલે ઈન્ડિયાની બુધવારે યોજાનારી બેઠક સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં આ બેઠક બોલાવી હતી. દિલ વિના લાખો મળે એને સભા નથી કહેતા, પંક્તિ અહીં લાગુ પડે છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને ઝારખંડના સીએમ હેમંત સોરેને વિવિધ કારણોસર બેઠકમાં હાજરી આપવા અસમર્થતા દર્શાવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ એક-બે સપ્તાહમાં બેઠકની નવી તારીખ નક્કી કરવામાં આવશે.
વિપક્ષી પાર્ટીના નેતાઓ સતત બેઠક વહેંચણીને લઈને ગઠબંધનની બેઠક બોલાવવાની માંગ કરી રહ્યા હતા. જો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 રાજ્યોમાં ચૂંટણીને ધ્યાને રાખીને તેને સ્થગિત કરી દીધી હતી. રવિવારે ચાર રાજ્યોમાં જાહેર થયેલા પરિણામો વચ્ચે ખડગેએ 6 ડિસેમ્બરે બેઠક બોલાવી હતી. ચાર રાજ્યોમાંથી કોંગ્રેસ માત્ર તેલંગાણામાં જીતી શકી છે જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
વિપક્ષી દળોના નેતાઓ મમતા બેનર્જી, અખિલેશ યાદવ, નીતિશ કુમાર અને હેમંત સોરેને બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. નીતીશના સ્થાને જેડીયુના લલ્લન સિંહ અને સંજય ઝા અને અખિલેશના સ્થાને સપા તરફથી રામ ગોપાલ યાદવ બેઠકમાં હાજરી આપે તેવી આશા હતી. કોંગ્રેસનું કહેવું છે કે એમકે સ્ટાલિન, મમતા બેનર્જી અને નીતીશ કુમારે પોતપોતાના કારણોસર બેઠકમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી હતી.