વાટાઘાટો નહીં જ કરીએ, થાય તે કરી લ્યો: ઈરાનનો અમેરિકાને સીધી પડકાર
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પરમાણુ સંધિ માટે નવેસરથી વાર્તાલાપ શરૂ કરવાની કરેલી ઓફરને ઈરાને ફગાવી દીધી હતી.રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું કે યુએસ આદેશો અને ધમકીઓ આપે એ અમને સ્વીકાર્ય નથી.
તેમણે ઉમેર્યું કે ઈરાન ધમકીઓ હેઠળ વાટાઘાટો નહી કરે.તેમણે અમેરિકાને ‘ થાય તે કરી લેવાનો ‘ પડકાર ફેંક્યો હતો.ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ પણ તેહરાન વાટાઘાટો માટે દબાણમાં નહીં આવે તે સ્પષ્ટતા કરી હતી.
નોંધનીય છે કે ઈરાન ડીલ તરીકે પ્રખ્યાત થયેલી એ સમજૂતી પર ઓબામાના શાસનકાળમાં હસ્તાક્ષર થયા હતા અને તેને અમેરિકાની એક ખૂબ મહત્વની આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સફળતા માનવામાં આવતી હતી. જો કે બાદમાં ટ્રમ્પે એ સમજૂતીમાંથી અમેરિકાને દૂર કરી ઈરાન ઉપર ઢગલાબંધ આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા.બીજી તરફ તેનાથી ડર્યા વગર ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો અને હવે તે પરમાણુ બોમ્બ બનાવવાની કગાર પર આવી ગયું છે. ઈરાનની પરમાણુ મહત્વકાંક્ષાને બ્રેક લગાવવા
બાઈડને એ ડીલ પુન:જીવિત કરવા પ્રયત્નો કર્યા હતા પણ તેમાં સફળતા મળી નહોતી.હવે ટ્રમ્પે ફરી એક વખત ડીલ કરવા ઈરાનને આમંત્રણ આપ્યું છે પણ સાથે જ જો ઈરાન સંમત ન થાય તો વધુ કડક આર્થિક
પ્રતિબંધની ચેતવણી પણ આપી છે.એ ધમકીનો એવી જ ભાષામાં જવાબ આપી ઈરાને, તે અમેરિકાને ન ગાંઠતું હોવાનો લલકાર કર્યો હતો.