ટ્રમ્પે નવો ટેરિફ ઝીંક્યો: ભારત ઉપર 10 ટકા: ચીન, બ્રિટન,જાપાન પર 12..5 ટકા
બળજબરીથી શ્રમના નામે ટેરિફનો ખેલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂના 10 ટકા કામચલાઉ ટેરિફની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. નવા નિર્ણય હેઠળ ભારત માટે રાહતરૂપે અમેરિકામાં ભારતીય માલ પર ટેરિફ 10 ટકા જ રહેશે, જ્યારે ચીન, બ્રિટન, જાપાન સહિત 60થી વધુ વેપારી ભાગીદાર દેશો પર 10થી 12.5 ટકા સુધીના નવા આયાત શુલ્ક લાગુ કરાશે. ટ્રમ્પ પ્રશાસને આ પગલું બળજબરીના શ્રમ (Forced Labour)થી બનેલા ઉત્પાદનોની આયાતને રોકવા અને અમેરિકન ઉદ્યોગોને સસ્તી વિદેશી આયાતથી બચાવવા માટે લીધું હોવાનું જણાવ્યું છે.
વ્હાઇટ હાઉસના આદેશ અનુસાર જે દેશોમાં બળજબરીના શ્રમથી બનેલા ઉત્પાદનોની આયાત સામે કડક કાયદો નથી અથવા તેનો અસરકારક અમલ થતો નથી, તેમના પર 12.5 ટકા ટેરિફ લાગુ થશે. બીજી તરફ ભારત, યુરોપિયન યુનિયન, શ્રીલંકા, કંબોડિયા, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને ટ્રિનિડાડ એન્ડ ટોબેગો જેવા દેશોએ આવા પ્રતિબંધો માટે પગલાં લીધા હોવાથી તેમને 10 ટકા ટેરિફની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. નવા ટેરિફ શુક્રવારથી અમલમાં આવશે. જોકે અમેરિકા–મેક્સિકો–કેનેડા વેપાર કરાર હેઠળ આવતી કેટલીક વસ્તુઓ તેમજ તેલ અને ગેસ જેવા ઉત્પાદનોને આ નવા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સિંચાઇ હસ્તકના ૨૩ ડેમમાં નવા નીરની પુષ્કળ આવક
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકામાં લગભગ એક સદીથી બળજબરીના શ્રમથી બનેલા માલની આયાત પર પ્રતિબંધ છે અને હવે અન્ય દેશોએ પણ તે જ ધોરણો અપનાવવા જોઈએ. ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું કે આ નિર્ણય માનવ અધિકારોના રક્ષણ સાથે વૈશ્વિક વેપારમાં સમાન સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ આગામી કેટલાક અઠવાડિયામાં અમેરિકી સરકાર વધુ એક ટેરિફ પેકેજ જાહેર કરી શકે છે, જેમાં ઉત્પાદનને ભારે સરકારી સબસિડી આપતા દેશોને પણ નિશાન બનાવવામાં આવશે.
ભારતને કેમ મળી રાહત?
ભારત પર અગાઉ 12.5 ટકા વધારાના દંડાત્મક ટેરિફની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ભારતે બળજબરીના શ્રમથી બનેલા માલની આયાત રોકવા માટે જરૂરી કાનૂની અને નીતિગત પગલાં લીધા હોવાનું અમેરિકાએ સ્વીકાર્યું છે. તેથી નવા આદેશ બાદ પણ ભારતીય માલ પર અમેરિકામાં કુલ ટેરિફ 10 ટકા જ રહેશે. એટલે ભારતને ચીન, બ્રિટન અને જાપાન જેવા 12.5 ટકા ટેરિફવાળા દેશોની સરખામણીએ સ્પર્ધાત્મક રીતે થોડી રાહત મળશે.
