દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ ના ઉપયોગ સામે પણ ચેતવણી
જંતર મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)એ પોતાના વિદ્યાર્થીઓને આંદોલનથી દૂર રહેવા સૂચના આપતાં વિવાદ ઊભો થયો છે. બંને યુનિવર્સિટીઓએ જાહેર કરેલી એડવાઇઝરીમાં જંતર મંતર ખાતે યોજાતી સભાઓમાં ભાગ ન લેવા, કાયદાનું પાલન કરવા અને સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તવાની તાકીદ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે સૂચનાનો ભંગ કરનારાઓ સામે કાયદાકીય તેમજ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
દિલ્હી યુનિવર્સિટીએ ગુરુવારે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે જંતર મંતર ખાતેની ગેરકાયદેસર સભાઓમાં જોડાવાથી વિદ્યાર્થીઓની વ્યક્તિગત સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે તેમજ તેમની શૈક્ષણિક પ્રગતિ અને ભાવિ કારકિર્દી પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના જાહેર પ્રદર્શન સંબંધિત નિર્દેશોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જંતર મંતરથી દૂર રહેવા તેમજ સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતીથી સાવચેત રહેવા પણ જણાવાયું છે.
શુક્રવારે જેએનયુએ પણ સમાન એડવાઇઝરી બહાર પાડી હતી. તેમાં યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય હિતધારકોને જવાબદારીપૂર્વક વર્તવા, પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને જંતર મંતર તથા તેની આસપાસના વિરોધ કાર્યક્રમોમાં ભાગ ન લેવા અપીલ કરવામાં આવી છે. જેએનયુએ વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયાનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરનારાઓ સામે લાગુ કાયદા તથા યુનિવર્સિટીના આચારસંહિતા મુજબ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: ટ્રમ્પે નવો ટેરિફ ઝીંક્યો: ભારત ઉપર 10 ટકા: ચીન, બ્રિટન,જાપાન પર 12..5 ટકા
આ સૂચનાઓ બાદ રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓને લોકશાહી હક્કનો ઉપયોગ કરતા અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે યુનિવર્સિટીઓનું કહેવું છે કે આ સલાહ માત્ર વિદ્યાર્થીઓની સુરક્ષા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવી છે.
રાહુલનો સવાલ – “વિદ્યાર્થીઓને ધમકાવવાની હિંમત કેવી રીતે થઈ?”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી યુનિવર્સિટીની એડવાઇઝરી પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે લોકશાહી અધિકારોનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને ધમકાવવાની હિંમત કેવી રીતે થઈ શકે? તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે યુનિવર્સિટી તંત્રને એક દિવસ પોતાના આ વર્તન માટે જવાબ આપવો પડશે. અભિનેત્રી પૂજા ભટ્ટે પણ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવી તેની ટીકા કરી હતી. કોંગ્રેસ સાંસદ અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી દીપેન્દ્ર હૂડાએ પ્રશ્ન ઉઠાવ્યો કે સુપ્રીમ કોર્ટના કયા આદેશમાં જંતર મંતરની તમામ સભાઓને ગેરકાયદેસર ગણાવવામાં આવી છે? આ દરમિયાન આઈઆઈટી રૂડકીએ પણ વિદ્યાર્થીઓને રાજકીય આંદોલનોથી દૂર રહેવાની જૂની એડવાઇઝરી યાદ અપાવી હતી, જ્યારે આઈઆઈટી મદ્રાસના એક વિદ્યાર્થીએ વિરોધને સમર્થન આપતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ દૂર કરવા માટે દબાણ કરાયું હોવાનો દાવો કર્યો છે.
