રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સિંચાઇ હસ્તકના ૨૩ ડેમમાં નવા નીરની પુષ્કળ આવક
ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જેમાં દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મુકામ કર્યો છે ત્યારે બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ત્રણ ડેમ સહિત પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જેના કારણે નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૩ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
ઓણસાલ ચોમાસુ મોડું શરૂ થયું છે. જુલાઈ માસના પ્રથમ વિકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળ્યા બાદ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતીને ધરવી દેવા આગળ વધ્યા છે.
ગઈકાલથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કર્યું છે જેના કારણે નદી-નાલાઓ છલકાઈ ગયા છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ૨૩ ડેમમાં નવા નીરની પુષ્કળ આવક શરૂ થઈ છે. જ્યારે રાજકોટ જિલ્લાના ત્રણ સહિત પાંચ ડેમ ઓવરફ્લો થયા છે.
રાજકોટ જિલ્લાના ભાદર-૨ ડેમ ફરી ઓવરફ્લો થતાં ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે હેઠવાસમાં આવતા ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા, ડુમિયાણી, સમઢિયાળા, ગણોદ, ભીમોરા સહિતના ૨૪ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદરની સપાટી ૫૩.૧ મીટર છે અને હાલ ૫૨.૨ મીટરની સપાટી જોવા મળી છે.
જેતપુર પાસેનો સુરવા ડેમ ગઈકાલે જેતપુર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે છલકાઈ ગયો છે. સુરવા ડેમની જળસપાટી ૯૯.૮૫ મીટર છે. જ્યારે હાલ પાણીનું સ્તર ૯૮.૭૦ મીટરે જોવા મળે છે. સુરવા ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના થાણા ગાલોળ, ખીરસરા, ખજૂરી ગુંદાળા સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આજી-૨ ડેમ પર છલકાઈ જતાં તે છ દરવાજા ખોલવામાં આવ્યા છે. આજી-૨ ડેમની સપાટી ૭૩.૭૬ મીટર છે અને હાલ પાણીનું સ્તર ૭૨.૦૫ મીટર પર જોવા મળે છે. ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે જેના કારણે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર કરવા પર મનાઈ ફરમાવી છે.
જ્યારે હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-૨ ડેમ પણ ઓવરફ્લો થઈ જતાં હેઠવાસમાં આવતા ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિંચાઈ હસ્તકના ૨૩ ડેમમાં પારીની આવક શરૂ થઈ છે જેમાં ભાદર-૧, મોજ, ફોફળ ડેમ, વેણુ-૨, આજી-૧, આજી-૩, સોડવદર, ડોંડી, ન્યારી-૨ સહિતના ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.
