અમેરિકા દ્વારા અપાતી તમામ વિદેશી સહાયો 90 દિવસ માટે બંધ કરી દેવાનો ટ્રમ્પનો આદેશ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ ‘ નીતિ અંતર્ગત તાત્કાલિક અમલમાં આવે તે રીતે વિશ્વના દેશો માટે અપાતી આર્થિક અને મિલિટેરી સહાય 90 દિવસ માટે અટકાવી દેવાનો આદેશ કર્યો છે. જોકે આ પ્રતિબંધમાંથી ઇઝરાયેલ અને ઇજિપ્તને બાકાત રાખવામાં આવ્યા છે. એ જ રીતે સુદાન અને સીરિયા સહિતના ખાદ્યાન્ન કટોકટી ભોગવતા દેશો માટેની ઇમરજન્સી ફુડ સહાય પણ ચાલુ રાખવામાં આવશે. ટ્રમ્પના આદેશને પગલે અનેક માનવતાવાદી અને આરોગ્યલક્ષી વૈશ્વિક કાર્યક્રમો અને યોજનાઓને ગંભીર ધક્કો લાગશે. ટ્રમ્પ વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 90 દિવસ દરમિયાન અત્યારે અપાતી તમામ વિદેશી સહાયોની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જે તે સહાય ચાલુ રાખવી, ઓછી કરવી કે બંધ કરી દેવી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.એ સહાયો ટ્રમ્પની નીતિ સાથે સુસંગત છે કે કેમ તે નક્કી કર્યા પછી આગળની કાર્યવાહી થશે.
ટ્રમ્પે તેમના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં યુ.એસ. ‘વિદેશી સહાય ઉદ્યોગ ‘ અને અમલદારશાહી અમેરિકન હિતો સાથે જોડાયેલા ન હોવાનો અને ઘણા કિસ્સાઓમાં અમેરિકન મૂલ્યોની વિરોધી હોવાનો દાવો કર્યો હતો
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓએ સોમવારે તેમના દેશની વિશ્વભરની એમ્બેસીઓને ‘ સ્ટોપ વર્ક ઓર્ડર ‘ ના કેબલ મોકલી આપ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે વિદેશી સહાય અમેરિકાને વધુ શક્તિશાળી, સલામત અને સમૃદ્ધ બનાવે તે સહાય જ ચાલુ રાખવી જોઈએ.
અમેરિકાએ નાણાકીય સહાયની સાથે જ શસ્ત્ર સહાય પણ અટકાવવાની જાહેરાત કરતા રશિયા સામે યુદ્ધ રહી રહેલા યુક્રેનનું ભાવી અધરતાલ થઈ ગયું છે. નોંધનીય છે કે ટ્રમ્પના આદેશમાં માત્ર ઇઝરાયેલ અને ઇજિપ્તને જ મિલિટરી સહાય ચાલુ રાખવાનું જણાવાયું છે.
માનવતાવાદી અને આરોગ્યલક્ષી વૈશ્વિક કાર્યક્રમોને ગંભીર અસર પડશે.
વિશ્વભરમાં ચાલતા અનેક માનવતાવાદી અને આરોગ્યલક્ષી કાર્યક્રમો માટે અમેરિકા સૌથી વધારે યોગદાન આપે છે. 2023 માં અમેરિકાએ 67 બિલિયન ડોલરની સહાય કરી હતી.આ નવા આદેશને પગલે
એઇડ્સ રાહત માટેના રાષ્ટ્રપતિના ઇમરજન્સી પ્લાન (PEPFAR), એઇડ્સ, ક્ષય રોગ અને મેલેરિયા સામે લડવાના વૈશ્વિક ભંડોળ, પોલિયો અને ઓરી માટેના રસીકરણ કાર્યક્રમ અને માતૃત્વ તેમ જ બાળ આરોગ્ય કાર્યક્રમોને ગંભીર અસર પડશે. ગરીબી હટાવવાના પ્રયાસો તેમજ શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ને લગતા કાર્યક્રમો પણ અસરગ્રસ્ત થશે.યુનાઈટેડ નેશન દ્વારા ચલાવવામાં આવતા અનેક માનવતાવાદી કાર્યક્રમો, હેલ્થ ક્લિનિક, શરણાર્થી રક્ષણ, જળ યોજનાઓ અને ગરીબ દેશોમાં આંતરમાળખાકીય વિકાસ વગેરે જેવી યોજનાઓમાં અમેરિકાનું સૌથી મોટું પ્રદાન છે. એ બધા કાર્યક્રમો પર રોક લાગી જશે. યુએનના એક અધિકારીએ તો અમેરિકાના આ પગલાં ને કારણે કર્મચારીઓના પગારના પણ સાંસા પડવાનો ભય વ્યક્ત કર્યો હતો.આ નિર્ણયને કારણે ગરીબ દેશોમાં વિદેશની સહાય ઉપર આધારિત આરોગ્યલક્ષી સેવાઓને અસર થશે. લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ મંદ પડશે.દવાઓની અછત સર્જાશે. પરિણામે રોગચાળો કે વૈશ્વિક મહામારી ફેલાવાનો ખતરો ઉભો થશે. સૌથી વધારે અસર ગરીબ દેશોને થશે.
યુક્રેન ઉપર યુદ્ધ વિરામનું પ્રેશર વધશે અન્ય અનેક દેશો પણ પ્રભાવિત થશે
જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર બાઇડેન શાસન દરમિયાન યુક્રેન માટે બજેટમાં મંજુર થયેલી રકમ તેમ જ યુરોપિયન રિકન્સ્ટ્રક્શન આસિસ્ટન્સ અંતર્ગત 50 બિલિયન ડોલરની રકમ વર્લ્ડ બેંકમાં જમા થયેલી છે. એ સંજોગોમાં યુક્રેન ઉપર તાત્કાલિક સંકટ નથી. પણ
હવે પછી યુક્રેનને સહાય ન કરવાનો નિર્દેશ ટ્રમ્પે આપી દીધો છે. આ સંજોગોમાં રશિયા સાથે યુદ્ધ વિરામ કરવાનું યુક્રેન ઉપર દબાણ વધશે. કેટલાક અણગમતા સમાધાનો કરીને પણ યુક્રેને યુદ્ધ પૂર્ણ કરવા માટે
રાજી થવું પડશે. યુક્રેન ઉપરાંત પ્રાદેશિક ખતરાનો સામનો કરી રહેલા બાલ્કન દેશો, તાઇવાન અને ઈરાનના પ્રભાવને ખાળવા મથતા લેબેનોન જેવા રાષ્ટ્રો પણ યુએસ ની મીલીટરી સહાયથી વંચિત રહેશે.