ટેરિફ મુદ્દે ટ્રમ્પ અમેરિકામાં જ ઘેરાયા, 25 રાજ્યોનો બળવો
ગ્રાહકો અને વ્યવસાયો પર આર્થિક બોજ અત્યંત વધી જશે તેવી દલીલ
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર લાદવામાં આવેલા સેક્શન 301 ટેરિફ સામે ડેમોક્રેટિક પક્ષના નેતૃત્વવાળા 25 અમેરિકન રાજ્યોના ગઠબંધને યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં એક મોટો કેસ દાખલ કર્યો છે. આ ગંભીર પગલાથી ગ્રાહકો અને વ્યવસાયો પર આર્થિક બોજ અત્યંત વધી જશે તેવી સ્પષ્ટ દલીલ કોર્ટમાં કરવામાં આવી છે. આ કાયદાકીય લડાઈથી વૈશ્વિક વેપાર ક્ષેત્રે પણ મોટો તણાવ ઊભો થયો છે.
હાલમાં ભારત પર આ ટેરિફ હેઠળ 10 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ અમેરિકા દ્વારા 12.5 ટકા ટેરિફ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. ભારતે ગત 14 જૂને પોતાની વિદેશ વેપાર નીતિમાં મહત્ત્વપૂર્ણ સંશોધન કરીને બળજબરીથી મજૂરી કરાવીને બનાવવામાં આવતી ચીજવસ્તુઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ આ દર ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો હતો. આ મામલે હજુ પણ અન્ય તપાસો ચાલુ છે જેના પરિણામો આવવાના બાકી છે.
આ પણ વાંચો: ગિફ્ટ સિટી, વિદેશી રોકાણ અને ડેટા સેન્ટરને ટેક્સમાં છૂટ મળશે
આ મુકદ્દમા અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર સેક્શન 301 ની કાનૂની પ્રક્રિયાગત આવશ્યકતાઓને અનુસરવામાં નિષ્ફળ રહ્યું છે અને મજૂરીના શોષણને ડામવાના ઉદ્દેશ્ય સાથે કોઈ સ્પષ્ટ જોડાણ સ્થાપિત કર્યા વિના મનસ્વી રીતે ટેરિફ લાદી રહ્યું છે. આમ ટ્રમ્પ હવે અમેરિકામાં જ ઘેરાઈ ગયા છે.
ન્યુયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ અને ગવર્નર કેથી હોચુલ સહિતના ગઠબંધને કોર્ટને આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં હાર્યા પછી પણ વહીવટીતંત્ર નવા ટેરિફ દ્વારા પરિવાર અને વ્યવસાયો પર ગેરકાયદેસર રીતે કર લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે.
