અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફ્રોઝન ફૂડનો વપરાશ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બદલાતી જીવનશૈલી અને ઝડપી રસોઈની ઘેલછામાં લોકો રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક વસ્તુઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. હોટેલ્સ અને રેસ્ટોરાંથી લઈને ઘરના રસોડા સુધી ફ્રોઝન ફૂડનું ચલણ વધ્યું છે, પરંતુ આ સુવિધા પાછળ સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડાં છુપાયેલા છે.
ફ્રોઝન ફૂડની વધતી માંગ અને બજારનું કદ
પરંપરાગત રીતે ‘સવારનું રાંધેલું સાંજે ન ખવાય’ તેવી કહેવત ધરાવતા આપણા સમાજમાં આજે હોટેલ્સ, રેસ્ટોરાં અને કેફેમાં પીરસાતા 60% થી 65% સ્ટાર્ટર્સ (જેવા કે સ્પ્રિંગ રોલ, વેજ કબાબ વગેરે) એક વર્ષ જૂના ફ્રોઝન ફૂડ હોય છે. છેલ્લા 4-5 વર્ષમાં અમદાવાદમાં ફ્રોઝન પરાઠા, નાન, સમોસા અને ફ્રેન્ચ ફ્રાઇસની માંગ 3 ગણી વધી ગઈ છે અને સમગ્ર ગુજરાતમાં આ માર્કેટ 2500 કરોડ રૂપિયાથી વધુનું થઈ ચૂક્યું છે. જેન-ઝી (Gen-Z) યુવાનો અને નોકરિયાત દંપતીઓમાં ક્વિક કોમર્સ દ્વારા દર મહિને લાખો પેકેટ વેચાઈ રહ્યા છે.
કોલ્ડ ચેઇનની ખામી અને ફૂડ વિભાગની નિષ્ક્રિયતા
ખાદ્યપદાર્થોને -18°C થી -22°C તાપમાને ફ્રીઝ કરીને તેની શેલ્ફ લાઈફ વધારવામાં આવે છે, પરંતુ ફેક્ટરીથી ગ્રાહક સુધી પહોંચવામાં યોગ્ય કોલ્ડ ચેઇન જળવાતી નથી. ડિસ્ટ્રિબ્યુટર કે ડાર્ક સ્ટોરમાં ફ્રોઝન આઇટમ થોડો સમય પણ ફ્રીઝર બહાર રહે તો બેક્ટેરિયા પેદા થાય છે. આશ્ચર્યની વાત એ છે કે રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાઓના ફૂડ વિભાગના ચોપડે ‘ફ્રોઝન ફૂડ’ માટે કોઈ ચોક્કસ ચેકિંગ કે નિયમો જ નથી, જેનાથી ગ્રાહકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે.
આ પણ વાંચો: અન્ન નાગરિક પુરવઠા વિભાગનો નિર્ણય: રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં કાપ મુકાતા રોષ
સ્વાસ્થ્ય પર ગંભીર અસરો: ફૂડ પોઈઝનિંગથી લઈને હૃદયરોગ સુધી
તષ્ણા અને નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, ફ્રોઝન ફૂડને વારંવાર ફ્રીઝ અને અનફ્રીઝ કરવાથી ‘સેલ્મોનેલા’ અને ‘લિસ્ટેરિયા’ જેવા ઘાતક બેક્ટેરિયા પેદા થાય છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે. આ પ્રોડક્ટ્સમાં રહેલા હાનિકારક ‘ટ્રાન્સફેટ’ અને સોડિયમના કારણે કોલેસ્ટ્રોલ, ફેટી લિવર અને હૃદયની બીમારીઓનો ખતરો અનેકગણો વધી જાય છે.
બાળકો માટે ફ્રોઝન ફૂડ સાબિત થઈ રહ્યું છે ધીમું ઝેર
ઘણા વાલીઓ બાળકોના સ્કૂલ લંચબોક્સમાં ફ્રોઝન સમોસા, પરાઠા કે નગેટ્સ ગરમ કરીને આપતા હોય છે. પીડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના મતે, આ ખોરાકમાં રહેલા આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ અને વધુ પડતા સોડિયમને કારણે બાળકોમાં નાની ઉંમરે જ હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) અને મેદસ્વિતા (સ્થૂળતા) જેવી ગંભીર સમસ્યાઓ ઘર કરી રહી છે.
ફ્રોઝન ફૂડ ભલે સમય બચાવતું એક સરળ માધ્યમ લાગતું હોય, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની રહ્યું છે. સમય આવી ગયો છે કે નાગરિકો આ બાબતે જાગૃત બને અને ફ્રોઝન ફૂડના અતિશય વપરાશથી બચીને તાજા અને પૌષ્ટિક ઘરના ખોરાકને પ્રાથમિકતા આપે.
