હોર્મુઝ નજીક વધતા ખતરાથી અઢાર હજાર ભારતીય ખલાસીઓ એલર્ટ પર
વેપારી જહાજો પર હુમલાઓ બાદ ભારતની સુરક્ષા એડવાઇઝરી; 622 ભારતીયો હોર્મુઝ નજીક ફરજ પર
ભારતે મધ્યપૂર્વમાં વધતા તણાવ અને વેપારી જહાજો પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને હોર્મુઝની સામુદ્રધુની, ઓમાનની ખાડી અને પર્શિયન ગલ્ફ વિસ્તારમાં કાર્યરત લગભગ 18 હજાર ભારતીય ખલાસીઓ માટે વિશેષ સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS)એ ભારતીય અને વિદેશી ધ્વજવાળા જહાજોમાં કાર્યરત ક્રૂને ઉચ્ચ સ્તરની સતર્કતા જાળવવા, સુરક્ષા અભ્યાસ હાથ ધરવા, શિપ સિક્યુરિટી એલર્ટ સિસ્ટમ ચકાસવા તથા તમામ નેવિગેશન અને સંચાર પ્રોટોકોલનું કડક પાલન કરવા સૂચના આપી છે.
સત્તાવાર આંકડા મુજબ હાલમાં હોર્મુઝ નજીક 13 ભારતીય ધ્વજવાળા જહાજોમાં 622 ભારતીય ખલાસીઓ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં સેંકડો જહાજો પર આશરે 18 હજાર ભારતીયો કાર્યરત છે. એડવાઇઝરીમાં ડ્રોન, મિસાઇલ, માનવરહિત નૌકાઓ અને અન્ય આધુનિક હુમલાઓના જોખમ સામે સતત સાવચેત રહેવા તેમજ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ ભારતીય સત્તાવાળાઓને કરવા કહેવામાં આવ્યું છે. વિશ્વની બીજી સૌથી મોટી ખલાસી કાર્યશક્તિ ધરાવતા ભારત માટે આ ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા મહત્વનો મુદ્દો બની ગયો છે.
આ પણ વાંચો: ટ્રમ્પે હુમલા અટકાવ્યા, વિશ્વભરના સ્ટોક માર્કેટમાં તેજી,સેન્સેક્સની મોટી છલાંગ
ત્રણ ભારતીયોના મોત, ભારતનો અમેરિકા સમક્ષ કડક વિરોધ
તાજેતરમાં ઓમાનના કિનારા નજીક વેપારી જહાજ પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. આ સહિત ભારતીય ક્રૂ સભ્યો સંકળાયેલા વેપારી જહાજો પર થયેલા ત્રણ હુમલાઓ બાદ નવી દિલ્હીએ અમેરિકાની સામે કડક વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકારે વિદેશ મંત્રાલય, ભારતીય નૌસેના, વિદેશી સરકારો અને વિવિધ સમુદ્રી એજન્સીઓ સાથે સંકલન વધારી ભારતીય નાગરિકો અને સમુદ્રી હિતોની સુરક્ષા માટે વધારાના પગલાં હાથ ધર્યા છે.
