યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
યમન અને સોમાલિયાના તટ ખાતે બની ઘટના, સમુદ્રી ચાંચિયાઓનો આતંક ; બન્ને જહાજ અન્ય દેશોના છે; ભારતીય નાવિકોની સુરક્ષા જોખમમાં
અરેબિયન સમુદ્ર અને હોર્ન ઓફ આફ્રિકા નજીક સમુદ્રી ચાંચિયાગીરીની ઘટનાઓએ ફરી એકવાર વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ અને ભારત સરકારની ચિંતામાં વધારો કર્યો છે. યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાંચિયાઓએ 22 ભારતીય નાગરિકો સહિત 2 કોમર્શિયલ જહાજોનું અપહરણ કરી લીધું હતું. આ ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ભારતીય નાવિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રથમ ઘટનામાં, ઈરિટ્રિયાનો ઝંડો ધરાવતા તેલ ઉત્પાદક ટેન્કર એમટી-સઇબુ 1′ નું યમન તટથી આશરે 30 નોટિકલ માઈલ દૂર અદનની ખાડીમાં ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ જહાજ પર કુલ 20 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 16 સભ્યો ભારતીય નાગરિકો છે. બાકીના ક્રૂ મેમ્બર્સમાં સીરિયા, સુદાન અને ઈરાકના નાગરિકો સામેલ છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ, હાલ તમામ 20 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની માહિતી છે, પરંતુ જહાજની વર્તમાન સ્થિતિ અંગે વધુ અપડેટ મેળવવામાં આવી રહી છે. બધાજ નાવિકોને બચાવી લેવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો: માત્ર 8.25 ટકા સ્નાતકોને ડિગ્રીને અનુરૂપ નોકરી મળે છે: નીતિ આયોગનો ચોંકાવનારો અહેવાલ
બીજી ઘટનામાં, સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક કેમરૂનના ઝંડાવાળા કાર્ગો જહાજને ચાંચિયાઓએ પોતાના કબજામાં લઈ લીધું હતું. આ જહાજ પર 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાંથી 6 ભારતીય નાગરિકો છે. આ જહાજ મોગાદિશુ સ્થિત તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે શસ્ત્રો, સંચાર અને સેટેલાઈટ ઉપકરણો લઈ જઈ રહ્યું હતું. આશરે 8 ચાંચિયાઓએ જહાજ પર કબજો જમાવી તેને નૂગાલ તટ તરફ વાળી દીધું છે.
બધા જ નાવિકોને બચાવી લેવા માટે ઓપરેશન અંગે બેઠકો
અપહરણની આ ઘટનાઓ બાદ દરિયાઈ તંત્ર અને રિક્રૂટમેન્ટ એજન્સીઓ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ભરતી એજન્સીઓએ ભારતીય નાવિકોની તમામ વિગતો શિપિંગ ડાયરેક્ટોરેટને સુપ્રત કરી દીધી છે. ભારતીય નૌકાદળ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ હાઈજેક થયેલા જહાજો અને ભારતીય નાવિકોને સુરક્ષિત છોડાવવા માટે સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. એમને બચાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો.
