ફ્રાન્સના પ્રમુખની યુદ્ધ વિરામની માંગણી ઇઝરાયલે ઠુકરાવી
નેતન્યાહુએ લડી લેવા મક્કમ
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો એ ઇઝરાયેલને યુદ્ધ વિરામ માટે અપીલ કરી હતી. પેરિસ ખાતે યોજાઈ ગયેલી હ્યુમેનીટરિયન કોન્ફરન્સના બીજા દિવસે બીબીસી ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલને સ્વરક્ષણ કરવાનું અધિકાર છે પરંતુ તેનાથી નાગરિકો ઉપરના હુમલા ને વ્યાજબી ઠરાવી શકાય નહીં.જો કે સમગ્ર વિશ્વ સમુદાયની યુદ્ધ વિરામની માંગણી છતાં યુદ્ધ ચાલુ રાખવા માટે જ મક્કમ રહેલા ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રમુખ મેક્રો ની માંગણીને ઠુકરાવી દીધી હતી. તેમણે કહ્યું કે વિશ્વ સમુદાયે ઇઝરાયેલની નહિ પણ હમાસની નિંદા કરવી જોઈએ.
મેક્રો એ કહ્યું કે બોંબમારો કરી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને મારી નાખવામાં આવે છે. એ હુમલાને કઈ રીતે વ્યાજબી ફેરવી શકાય તેવો સવાલ કરી તેમણે ઉમેર્યું કે ઇઝરાયેલના હુમલાને કારણે સર્વત્ર પ્રચંડ રોષ ફેલાયો છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધ વિરામ કરવો એ ઇઝરાયેલ ના પણ હિતમાં છે. દરેક જિંદગી મહત્વ ધરાવે છે એ ન ભૂલવું જોઈએ. તેમણે માનવતાવાદી પરિષદ નો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમાં ઉપસ્થિત તમામ સરકારો અને લોકો એવા સ્પષ્ટ નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે માનવતાવાદી વિરામ અને યુદ્ધ વિરામ સિવાય આ ઘર્ષણ નો બીજો કોઈ ઉકેલ નથી.આ હુમલાઓમાં એ નાગરિકો મરી રહ્યા છે જેઓ નથી આતંકવાદી કે નથી જેમને હમાસ સાથે કોઈ નિસ્બત.
નેતયાહુ કોઈને ગાંઠતા નથી.
ભારતની મુલાકાત આવેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીકેને પણ ઇઝરાયેલના હુમલાઓ પરત્વે નારાજગી દર્શાવતા હોય તેમ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પેલેસ્ટેનિયનનાગરિકો માર્યા ગયા છે. છેલ્લા અઠવાડિયામાં હજારો લોકોએ સહન કર્યું છે. જો કે યુદ્ધમાં ઈઝરાયલને ટેકો આપનાર આ મિત્ર દેશોને પણ ન ગાંઠતા હોય તેમ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ એ કહ્યું કે યુદ્ધ વિરામ નો અર્થ તો શરણાગતિ થશે. હમાસ અત્યારે ગાજામાં જે કરી રહ્યું છે તે આવતીકાલે પેરિસ ન્યૂયોર્ક અને વિશ્વમાં ગમે ત્યાં કરશે તેવી ચેતવણી આપી તેમણે વધુ એક વખત યુદ્ધ વિરામની માગણી ચોખ્ખા શબ્દોમાં નકારી કાઢી હતી.