આજે ૧૦ કરોડ લોકો મૌની અમાસનું કુંભ સ્નાન કરશે
૧૨ કિલોમીટરનાં વિસ્તારમાં ૪૪ ઘાટ બનાવાયા : રાતથી જ થઇ ગઈ સ્નાનની શરૂઆત : વહેલી સવારે અખાડાઓનું સ્નાન થશે
મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પર એટલે કે આજે બુધવારે અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડશે. મૌની અમાવસ્યા માટે રાત્રે 8 વાગ્યાથી મહાસ્નાનની શરૂઆત થઇ ગઈ છે. લગભગ 12 કિલોમીટર વિસ્તારનાં બનાવેલા તમામ 44 ઘાટ પર સ્નાન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અખાડાઓનું ભવ્ય સ્નાન બુધવારે સવારે શરૂ થશે.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના શ્રદ્ધાળુઓ માટે અરૈલમાં ખાસ સ્નાનઘાટ બનાવાયો છે
મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આજે 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આજના પવિત્ર દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શક્યતા છે.
અયોધ્યામાં ૨૦ દિવસ પછી દર્શને આવવા અપીલ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જે અનુસાર, મૌની અમાવાસ્યા એટલે કે બુધવારે મહાકુંભમાં સ્નાન કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. છેલ્લા ત્રણ દિવસથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં રામલલાના દર્શન કરી શકે તે ખૂબ મુશ્કેલ છે. તેથી ભક્તોને પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવી જરૂરી છે. શ્રદ્ધાળુઓ પગપાળા આ રહ્યા છે. અડોશ-પડોશમાં રહેતા શ્રદ્ધાળુઓ 20 દિવસ બાદ અયોધ્યામાં દર્શન માટે પધારે તેવી અમારી વિનંતી છે. વસંત પંચમી બાદ ફેબ્રુઆરી મહિનામાં રાહત રહેશે તથા હવામાન પણ સ્વચ્છ રહેશે.