સમય રૈના-રણવીરને સુપ્રીમ કોર્ટની રાહત
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં બન્ને સામેની તમામ એફઆઇઆર રદ
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં કોમેડિયન સમય રૈના અને યુટ્યુબર રણવીર અલાહાબાદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતે શુક્રવારે સમય રૈના, રણવીર અલાહાબાદિયા અને અન્ય લોકો સામે દેશનાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ FIR શોમાં કરવામાં આવેલી કથિત વાંધાજનક અને અશ્લીલ ટિપ્પણીઓના સંદર્ભમાં નોંધવામાં આવી હતી.
વિવાદની શરૂઆત વર્ષ ૨૦૨૫માં થઈ હતી, જ્યારે રણવીર અલાહાબાદિયા સમય રૈનાના ઓનલાઈન શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં મહેમાન તરીકે પહોંચ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દેશભરમાં ભારે વિરોધ થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં 43.83 લાખ ગરીબ ઘટી ગયા: 5.87 લાખ રેશનકાર્ડ રદ
ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવી અનેક લોકો અને સંગઠનોએ જુદાં-જુદાં રાજ્યોમાં ફરિયાદો નોંધાવી હતી. તેના આધારે અશ્લીલતાને પ્રોત્સાહન આપવા, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા અને જાહેર લાગણી દુભાવવાના આરોપો હેઠળ અનેક FIR નોંધાઈ હતી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ હવે તમામ FIR રદ કરાતાં સમય રૈના, રણવીર અને કેસમાં સામેલ અન્ય લોકોને મોટી કાનૂની રાહત મળી છે.
