રશ્મિકા મંદાનાની હોરર યુનિવર્સમાં એન્ટ્રી : આ ફિલ્મમાં આયુષ્માન સાથે જોવા મળશે
એક્ટ્રેસ રશ્મિકા મંદાના બોલીવુડની ફિલ્મોમાં ધૂમ મચાવી રહી છે. એનિમલ ફિલ્મને ભવ્ય સફળતા મળ્યા બાદ હવે ફેન્સ પુષ્પાની રાહ જોઈ રહ્યા છે જેમાં રશ્મિકા અનોખા અંદાજમાં જોવા મળી શકે છે ત્યારે રશ્મિકાના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં રશ્મિકા હોરર ફિલ્મોમાં જોવા મળશે. તેણીએ હોરર યુનિવર્સમાં એન્ટ્રી કરી છે. તે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મમાં જોવા મળશે .
ફિલ્મ નિર્માતા દિનેશ વિજનનું હોરર યુનિવર્સ લોકપ્રિયતાની નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે અને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહી છે. શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ત્રી’ (2018) થી શરૂ થયેલી આ ગાથાથી લઈને હવે નવીનતમ ફિલ્મ ‘મુંજ્યા’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રશ્મિકા પણ તેમના હોરર યુનિવર્સનો એક ભાગ બનશે.
ગયા વર્ષથી સમાચાર આવી રહ્યા હતા કે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, કૃતિ સેનન અને વરુણ ધવન જેવા સ્ટાર્સની સાથે આયુષ્માન પણ હોરર યુનિવર્સમાં પ્રવેશ કરી રહ્યો છે. તે જે ફિલ્મમાં જોવા મળશે તેનું નામ ‘વેમ્પાયર્સ ઓફ વિજય નગર’ છે. હવે આયુષ્માનની ફિલ્મને હિરોઈન મળી છે.
આયુષ્માન સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે
રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘એનિમલ’ની સફળતા બાદ રશ્મિકા મંદન્નાને ઘણી ફિલ્મોની ઑફર્સ મળી રહી છે અને તેણે કેટલાક મોટા પ્રોજેક્ટ્સ પણ સાઈન કર્યા છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, રશ્મિકાને ‘વેમ્પાયર્સ ઑફ વિજય નગર’માં આયુષ્માનની સાથે કાસ્ટ કરવામાં આવી છે.
સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘આયુષ્માન ખુરાના અને દિનેશ વિજન ‘વેમ્પાયર્સ ઑફ વિજય નગર’ વિશે ચર્ચા કર્યાને ઘણો સમય થઈ ગયો છે અને હવે તેઓ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મને ફ્લોર પર લઈ જવાના છે.’આ પહેલીવાર હશે જ્યારે રશ્મિકા અને આયુષ્માન સ્ક્રીન પર સાથે જોવા મળશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બંનેના પાત્રો અને તેમની વાર્તા દર્શકોને ચોંકાવી દેશે.
રશ્મિકાએ સામંથાનું સ્થાન લીધું
ગયા વર્ષે, ‘વેમ્પાયર્સ ઓફ વિજય નગર’ સાથે જોડાયેલા સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આયુષ્માનની સાથે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ ફિલ્મમાં રશ્મિકાના નામને ફાઈનલ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
રશ્મિકા વિશે વાત કરીએ તો તે બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. અલ્લુ અર્જુન સાથેની તેની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પછી તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે ‘સિકંદર’માં જોવા મળશે. આ સિવાય સાઉથ સ્ટાર ધનુષની મોટી ફિલ્મ ‘કુબેરા’ પણ જોવા મળશે.