યલ્લો જર્નાલિઝમ : ‘ટાર્ગેટ’ને બ્લેકમેઈલ કે બદનામ કરી વાહવાહી અને પૈસા મેળવવાનો સ્ત્રોત
- ન્યાયતંત્રનાં નિર્ણય પહેલા જ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે કંપનીને આરોપી બનાવી દેતા ‘પીળા’ પત્રકારો
પત્રકારિત્વ એ લોકોએ રાખેલા વિશ્વાસનું બીજુ નામ હોય છે અને અખબારોમાં આવતી વાતોને મોટાભાગે સાચી માની લેતા હોય છે પણ આજના સમયમાં આ વાત ઘણા સંદર્ભોમાં ખોટી સાબિત થઇ રહી છે. આમ થવા પાછળનું કારણ યલ્લો જર્નાલિઝમ છે. સાચુ જર્નાલિઝમ એ છે કે જેને કોઈ કલર ન હોય અને નિર્ભેળ સત્ય રજૂ કરતુ હોય પરંતુ ટૂંકા રસ્તે ‘ભેગુ’ કરી લેવાની લ્હાયમાં કેટલાંક લોકો યલ્લો જર્નાલિઝમના રવાડે ચડી ગયા છે. આવા લોકો પોતાનુ તો ઠીક જે તે સમાચાર માધ્યમો, સમગ્ર પત્રકારિત્વ અને દેશનું અહિત કરી રહ્યા છે.
આજે સમય એવો ચાલી રહ્યો છે કે, અમુક અખબારો રૂપિયા માટે અને પોતાના અંગત કામો કઢાવવા માટે વાંચકો સાથે વિશ્વાસઘાત કરે છે. આવા લોકો નાના મોટા અખબારને કે સોશિયલ મીડીયાને રૂપિયા કમાવવા માટેનું સાધન માને છે અને ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, નેતાઓ, અભિનેતાઓ અને સારા સારા બીઝનેસમેનને એક ય બીજી રીતે બ્લેકમેઈલ કરે છે. એટલું જ નહી જો કોઈ બ્લેકમેઈલિંગને તાબે ન થાય તો તેને અખબારોમાં સતત ખોટી રીતે ચમકાવ્યે રાખે છે અને પોતાની મેલી મુરાદ પૂરી કરવા કવાયત કરતા રહે છે.
જો કોઈ વ્યક્તિ પત્રકારિત્વના વ્યવસાયમાં બ્લેક્સ્પોટ ગણાતા આવા કહેવાતા પત્રકારોને તાબે ન થાય તો તેમના દુશ્મન શોધી કાઢે છે અને તેની પાસેથી સોપારી લઈને એટલે કે થોડા રૂપિયા ગજવામાં નાખીને યેનકેન પ્રકારે બદનામ કરતા રહે છે. અખબાર જગતના માફિયા ગણાતા કેટલાક લોકો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ મુક્તા નથી અને તેમને પણ દબાવવાનો પ્રયાસ કર્યે રાખે છે તો જે લોકો શાંતિથી પોતાનો વ્યવસાય કરે છે, જે કાયમ વિવાદથી દુર રહેવાનું પસંદ કરે છે તેવા લોકો શાંત રહેવા સિવાય બીજુ કરે પણ શું…
એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા બનીને ભારતનું નામ રોશન કરવા માટે તનતોડ મહેનત કરતા રહે છે અને બીજી તરફ મીડિયા જગતના આવા માફિયાઓ અખબારો અને સોશિયલ મીડીયાના માધ્યમથી નકારાત્મક વાતો ફેલાવ્યે રાખે છે. આવા લોકો આવું કરીને વિકૃત આનંદ મેળવતા હોય છે પણ તેમને એ ખબર નથી કે તેઓ કેટલા લોકોને તકલીફ પહોંચાડી રહ્યા છે.
એક વાત એ પણ મહત્વની છે કે, ઘણી વખત મોટા મોટા મીડિયા હાઉસના માલિકો તેમના નાકની નીચે શું ચાલતું હોય છે તેનાથી પણ અજાણ હોય છે અને જાણ્યે અજાણ્યે આ પાપના ભાગીદાર બની જતા હોય છે. કેટલાક પ્રતિષ્ઠિત અખબારોના માલિક કે તંત્રીની જાણ બહાર તેમના જ સ્ટાફના કહેવાતા પત્રકારો પોતાના અંગત સ્વાર્થ માટે બ્લેકમેઈલીંગ કરતા હોય છે. આ પ્રવૃત્તિ સત્વરે બંધ થઇ જોઈએ.
આવા કહેવાતા પત્રકારો એટલે કે કલમનાં આતંકીઓ પત્રકારિત્વને પૈસા કમાવવાનું સાધન બનાવીને બેઠા છે અને હાથ કાળા કરવાની તેમની મોડસ ઓપરેન્ડી પણ ઘણી રસપ્રદ છે. દેશની રાજધાનીનું જ ઉદાહરણ લઈએ. નવી દિલ્હી આમ પણ પત્રકારત્વ શીખવા માટે અને તે ક્ષેત્રમાં ખીલવા માટેનું મક્કા કહેવાય. યમુના કિનારે આવેલા દેશની રાજધાનીમાં 2000 જેટલી અખબારી પત્રિકાઓ પ્રસિદ્ધ થતી હશે. બે હજારમાંથી અઢારસોથી ઓગણીસો જેટલી તો ઓનલાઇન છે. તેમાંથી મોટા ભાગના લોકશાહીના સ્વ-સ્થાપિત અને સ્વ-ઘોષિત એવા ચોથા સ્તંભ બની ગયા છે. નામ પૂરતું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે બાકી તે ડિજિટલ મીડિયા કે નાનકડા પ્રિન્ટ મીડિયાનું મુખ્ય કામ કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતું મર્યાદિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમનું છાપું કોઈ એક કે બે ચોક્કસ વિષય ઉપર જ ધ્યાન આપે અને તેના જ સમાચારને હાઈલાઈટ કર્યા રાખે. થોડા સમય પછી થાય એવું કે તે મીડિયા હાઉસ જે વિષયને કેન્દ્રમાં રાખતું હોય તે જ વિષયના ધંધામાં પ્રવેશી જાય. પછી એ ક્ષેત્રના કોઈ પણ વ્યવસાયિકને ટકવું હોય તો તે છાપાનું આધિપત્ય સ્વીકારવું પડે અને તેની ગુડ બુકમાં રહેવું પડે.
અમેરીકાના ‘ધ ઇન્ડીપેન્ડન્ટ’ જેવા ઘણા દૈનિકોએ સમય સાથે પ્રવાહ બદલીને પ્રિન્ટ મીડિયાને કાયમી તિલાંજલી આપી દીધી અને તેઓ ફક્ત ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. ઓનલાઇન પત્રકારત્વમાં ઘસારો એટલો બધો વધ્યો છે કારણ કે એમાં વેબસાઈટ શરૂ કરવા માટે કે પોર્ટલ સ્ટાર્ટ કરવા માટે કોઈ ખાસ ખર્ચ કે ફોર્માંલિટી કે ખાસ કોઈ જફા રહેતી નથી. માટે તેમાં જેન્યુઈન પત્રકારો સાથે લેભાગુ લોકો પણ જોડાઈ ગયા. પત્રકારત્વ શબ્દ સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હોય કે એક સમયે પત્રકાર હોય પણ હવે ફક્ત બદઇરાદા પૂરા કરવા હોય એવા જાતકો પણ આ ક્ષેત્રમાં આવી ગયા. જેણે દેશના યલો જર્નલિઝમને હવા આપવામાં મોટો ફાળો ભજવ્યો.
‘પત્રકારત્વનો ખરો ઉદ્દેશ જનતાની સેવા કરવાનો છે.’ આવું ગાંધીજી લખીને ગયા છે. ગાંધીજી પોતે એક કરતાં વધુ અખબારો કે સામયિકોમાં પુષ્કળ લખતા. ગાંધીજીના પત્રકારત્વ વિશેના વિચારો તો આજની પેઢીને બહુ આદર્શ લાગે. મેવા વિના કોઈ સેવા શું કામ કરે? એ આદર્શવાદ સમય પછી એવો જમાનો આવ્યો કે મીડિયા હાઉસના માલિકોને પોતાના અખબાર કે ચેનલ થકી થોડો વધુ પાવર જોઈતો હતો. એ પાવર કે ઇન્ફ્લ્યુઅન્સનો ઉપયોગ ખરાબ કામ કરવા માટે જ ન થતો. અમુક મીડિયા માલિકો પોતાના વજનનો ઉપયોગ સૌપ્રથમ સમાચાર મેળવવામાં કે ઓથેન્ટિક ન્યુઝ મેળવવા માટે પણ કરતા. એ સમય પણ ગયો.
પહેલા દેશમાં ચારસો મીડિયા હતા તો હવે ચાલીસ હજાર નાના મોટા મીડિયા છે. એમાંથી મોટા ભાગના મીડિયા સંચાલકોનો એકમાત્ર હેતુ ચિક્કાર પૈસા છાપવાનો હોય છે. પછી એ પૈસો બે નંબરના માર્ગે આવે કે બ્લેક મેઇલીંગ કરીને પણ આવે. અમુક ચોપાનિયાઓ તો શરૂ જ એટલા માટે કરવામાં આવતા હોય છે કે બ્લેકમેલ કરી શકાય. આવો દુષ્ટ હેતુ હોય એને જર્નલિઝમ કહેવાય ખરું? તેવો સવાલ આજે છડેચોક પુછાઈ રહ્યો છે.
સાબિતી કે બેઝ વિનાના સમાચારો છાપવા, ઉશ્કેરાટ પ્રેરે એવા શબ્દોનો પ્રયોગ કરવો, રાઈનો પર્વત બનાવવો અને વાતનું વતેસર કરવું, મુખ્ય હેડીંગમાં અતિશયોક્તિનો ઉપયોગ કરવો, પ્રજામાં ભય ફેલાય એવી સ્ટોરી બનાવવી – આ બધું યલો જર્નલિઝમ થયું જેની પ્રેક્ટિસ લગભગ દરેક દેશના મીડિયા હાઉસ વધતે ઓછે અંશે કરતા આવ્યા છે. ફેક ન્યુઝની ફેકમફેંક સતત વધી રહી છે.
લાયસન્સ હોય કે ના હોય, ખોટું મીડિયા કાર્ડ હોય તો પણ એક વેબપેજ કે એક ઓનલાઇન અખબાર કે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરીને ગામમાં તોડપાણી કરતા લેભાગુઓની સંખ્યા વધી ગઈ છે. છાપ એવી ઊભી કરવામાં આવે કે આ તટસ્થ અખબાર છે પણ પછી તે કોઈ એક એજન્ડા કે પ્રોપેગેન્ડા જ ફેલાવતું હોય. કોઈ એક ગ્રુપ કે પાર્ટી તરફથી પે-રોલ ઉપર રહેનારા કહેવાતા પત્રકારો ઓનલાઇન અને ઓફલાઈન આતંક ફેલાવતા હોય છે. સોશ્યલ મીડિયામાં ટ્રોલર પણ બનશે અને ઑફલાઈન બ્લેક મેલિંગના ધંધા પણ ચાલુ કરે. દેશના અને દુનિયાના દરેક નાના કે મોટા મીડિયા હાઉસના માલિકોએ સમજવું પડે કે આપણે અખબાર કે ઓનલાઇન જર્નલિઝમ સાથે સંકળાયેલા રહેતા હોઈએ તો આપણને કોઈ હક્ક નથી કે આપણે ફોન કરીને કોઈ હોટેલ, કોઈ દુકાન, કોઈ શોરૂમ, કોઈ સ્કૂલ કે કોલેજ કે ક્લાસિસ પાસેથી પરાણે જાહેરાત ઉઘરાવીએ. પૈસા દઈને જાહેરાતો ન આપે તો તેને બ્લેકમેલ કરવાનો હક્ક કોઈને નથી. આવી પ્રેક્ટિસમાં પત્રકારત્વ તો નથી જ પણ માણસાઈ પણ રહી નથી.
પત્રકારની ફરજ, જે તે અખબારની ફરજ કે જે તે ડિજિટલ જર્નલિઝમના સંચાલકની ફરજ કે એનું કામ ખરા સમાચાર પ્રકાશિત કરવાનું છે. તંત્રમાં ક્યાંય ગેરરીતિ ચાલતી હોય તો એને પ્રજા/સરકાર સમક્ષ લાવવાનું કામ મીડિયાનું હોવું જોઈએ. એને બદલે કોઈ પત્રકાર રોજ બે નંબરના ધંધા કરતા લોકો સાથે બેસવા લાગે તો સમજી જવું કે એ કહેવાતો પત્રકાર મોટી મર્સિડીઝ ગાડી છોડાવવાની ફિરાકમાં છે. એ જ રીતે ભુ માફિયાઓને ઉઘાડા પાડવાના હોય, જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનારાઓની વિગત આપવાની હોય, સરકારી નોકરીને લિંક કરી આપતા ભ્રષ્ટ લોકો, સરકારી કોન્ટ્રાક્ટ લેતા અને આપતા કે પછી સરકારી હોસ્પિટલોના કોન્ટ્રાક્ટરો જો ગેરવહીવટ કરતા હોય તો એનો પર્દાફાશ કરવાનો હોય – એ ગેરરીતિનો ભાગ બની જઈને બે નંબરી પૈસો બનાવવાનો ન હોય. યલો જર્નલિઝમની પ્રેક્ટિસ કરતા કેટલાક ખેલાડીઓ આઇએએસ/આઇપીએસ લોબીમાં ઘૂસણખોરી કરીને તે ઓફિસરોની અંગત વિગતો કે અંગત રોકાણો જાણી લઈને તેના રહસ્યો રાખતા ફરતા હોય છે. આ કુસેવા છે અને પાપ છે. ભારત સામે અત્યારે આ મોટો પ્રશ્ન છે.
દેશના દરેક રાજ્યમાં અત્યારે પપેટની માફક ચાલતા યલો જર્નલિઝમને જ સિદ્ધાંત માનતા પત્રકારો અને પત્રિકાઓ અસ્તિત્વમાં છે. તેનું કોઈ અલગથી સર્વેક્ષણ થતું નથી. તે જિલ્લાના કલેકટરને એકાદી વખત યાદ આવે ત્યારે નોટિસો ફટકારે છે પણ તેનાથી આ અનૈતિક પત્રકારત્વની બદી દૂર થતી નથી.
પ્રજા અત્યારે ફેક ન્યૂઝથી ત્રસ્ત છે. પ્રજાનો મોટો ભાગ જાણી ગયો છે કે સોશ્યલ મીડિયા ઉપર આવતા બધા સમાચારો વિશ્વસનીય નથી. માટે જ તેઓ સમાચારની પુષ્ટિ કરવી માટે માતબર મીડિયા સંસ્થાઓની ચેનલ કે અખબારો ઉપર આધાર રાખે છે. પરંતુ જો યલો જર્નલિઝમનું કેન્સર વધુને વધુ પ્રસરતું ગયું તો તે દિવસ દૂર નહી હોય કે પ્રજાને છાપા કે ચેનલ કે વેબસાઈટ ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય. જો આવો દિવસ આવશે તો એ દેશ માટે અને દરેક સામાન્ય માણસ માટે બહુ જોખમી ભવિષ્યની શરૂઆત કરશે તે એક વરવી વાસ્તવિકતા છે.