શાળાઓ ખુલતા જ વાલીઓને મોંઘવારીનો ડામ
સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો
ઉનાળાના ૩૫ દિવસના લાંબા વેકેશન બાદ આજે આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ નો ધમાકેદાર પ્રારંભ થયો છે. સમગ્ર ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કપાટો ખુલતા જ રસ્તાઓ સ્કૂલ બસો, વાન, ઓટો રિક્ષા અને ગણવેશધારી બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક અને ગુલાબ આપીને વિદ્યાર્થીઓનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. પરંતુ, આ ખુશીની વચ્ચે બપોરે ઘરે પરત ફરેલા બાળકો સાથે વાલીઓ માટે મોંઘવારીના માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની મહત્વની બેઠકમાં સ્કૂલ વાન અને રિક્ષાના માસિક ભાડામાં ધરખમ વધારો ઝીંકવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ભારત પાસે હવે પરમાણુ બોમ્બની સંખ્યા કેટલી થઈ ? વાંચો
પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવ વધતા એસોસિએશનનો નિર્ણય
સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ગેસના ભાવમાં થયેલા સતત વધારા તેમજ વાહનોના મેન્ટેનન્સ ખર્ચને કારણે જૂના ભાવે સર્વિસ આપવી પરવડે તેમ ન હતી. આથી આજે મળેલી ખાસ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે હવેથી સ્કૂલ વાનના માસિક ભાડામાં ૨૦૦ અને સ્કૂલ ઓટો રિક્ષાના ભાડામાં ૧૦૦ નો સીધો વધારો અમલી બનશે. આ નવો ભાવ વધારો ચાલુ માસ એટલે કે જૂન ૨૦૨૬ થી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૪ વિરૂદ્ધ વર્ષ ૨૦૨૬: જુઓ ભાડા પત્રકની સરખામણી
નવા નિર્ણય બાદ કિલોમીટરના અંતર પ્રમાણે વાલીઓએ ચૂકવવાનું થતું નવું માસિક ભાડા પત્રક નીચે મુજબના કોષ્ટકમાં સરળતાથી સમજી શકાય છે:
| સ્કુલ રિક્ષાનું જુનુ ભાડું (2024) | સ્કુલ રિક્ષા નવું ભાડું (2026) | સ્કુલ વેન જુનુ ભાડું (2024) | સ્કુલ વેન નવું ભાડું (2026) |
| 1 કિલોમીટર (750 રૂપિયા) | 1 કિલોમીટર (850 રૂપિયા) | 1 કિલોમીટર (1200 રૂપિયા) | 1 કિલોમીટર (1400 રૂપિયા) |
| 2 કિલોમીટર (850 રૂપિયા) | 2 કિલોમીટર (950 રૂપિયા) | 2 કિલોમીટર (1400 રૂપિયા) | 2 કિલોમીટર (1600 રૂપિયા) |
| 3 કિલોમીટર (950 રૂપિયા) | 3 કિલોમીટર (1050 રૂપિયા) | 3 કિલોમીટર (1600 રૂપિયા) | 3 કિલોમીટર (1800 રૂપિયા) |
| 4 કિલોમીટર (1050 રૂપિયા) | 4 કિલોમીટર (1150 રૂપિયા) | 4 કિલોમીટર (1800 રૂપિયા) | 4 કિલોમીટર (2000 રૂપિયા) |
| 5 કિલોમીટર (1150 રૂપિયા) | 5 કિલોમીટર (1250 રૂપિયા) | 5 કિલોમીટર (2000 રૂપિયા) | 5 કિલોમીટર (2200 રૂપિયા) |
