ગુજરાતમાં ક્યારથી દોડતી થઈ જશે બુલેટ ટ્રેન ? શું આવ્યો અહેવાલ ? જુઓ
ભારતમાં બુલેટ ટ્રેનનું સ્વપ્ન હવે ખૂબ જ ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં બુલેટ ટ્રેનમાં મુસાફરી થશે અને તેની શરૂઆત ગુજરાતથી થશે. ગુજરાતમાં 2028 સુધીમાં બુલેટ ટ્રેન દોડી શકે છે. એક વિશિષ્ટ દસ્તાવેજ મુજબ, 2028 સુધીમાં ગુજરાતના સાબરમતી અને વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડી શકે છે. આ પછી, 2030 સુધીમાં, આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સમગ્ર 508 કિમી લાંબા સેક્શન પર દોડશે. નેશનલ હાઇ સ્પીડ રેલ ઓથોરિટી આ બુલેટ ટ્રેનના ભાડા અને ટ્રાફિકનો અંદાજ કાઢવા માટે રાઇડર્સશીપ સર્વે કરી રહી છે.
દસ્તાવેજ મુજબ, ગુજરાતમાં સાબરમતી-વાપી સેક્શન માટે વર્ષ 2028 અને બેઝ યર 2030 માટે રાઇડરશીપ મૂલ્યાંકન માંગવામાં આવ્યું છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સમગ્ર સેક્શન પર આ ‘કામગીરીનું પ્રથમ વર્ષ’ હશે. બુલેટ ટ્રેનમાં મુસાફરોની સંખ્યાનું 30 વર્ષનું મૂલ્યાંકન માંગવામાં આવ્યું છે.
નિર્માણાધીન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર મહારાષ્ટ્રમાં મુંબઈ-બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર અને બોઈસર અને ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીમાંથી પસાર થશે. તેની કુલ લંબાઈ આશરે ૫૦૮ કિલોમીટર હશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ સેક્શન પર 300 કિમી લાંબો વાયડક્ટ પૂર્ણ થઈ ગયો છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થિત મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ લગભગ 76 ટકા પૂર્ણ થયું છે.