રશિયાની જેલમાં શું બનાવ બન્યો ? કેટલાના મોત થયા ? વાંચો
રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે શનિવારે થયેલી ભીષણ અથડામણમાં આઠ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો હતો. મૃતકોમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સામેલ છે. આ હિંસા રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં હાઈ સિક્યોરિટીવાળી સુરોવિકિનો પીનલ કોલોનીમાં થઇ હતી.
કેદીઓના એક જૂથે હિંસક બળવો કર્યો હતો. છરીઓથી સજ્જ આ કેદીઓ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તેમણે કેટલાક કેદીઓને બંધક બનાવ્યા અને જેલના એક ભાગ પર કબજો કરી લીધો હતો. હુમલાખોરોએ દાવો કર્યો હતો કે અમે મુસ્લિમો પર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આવું કર્યું હતું.
આ અથડામણ એવા સમયે થઇ જ્યારે એક નિયમિત ડિસિપ્લિન બેઠક યોજાઈ હતી. આ બેઠકની વચ્ચે જ કેદીઓના એક સમૂહે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોની ઓળખ રામજિદિન તોશેવ, રુસ્તમચોન નવરુજી, નજીરચોન તોશોવ અને તૈમૂર ખુસિનોવ તરીકે થઇ હતી.
ઉઝ્બેકિસ્તાન અને તાજિકિસ્તાનના આ ચારેય લોકોએ ચપ્પાં વડે હુમલો કર્યો હતો. હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અનેક લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.