આપના કેજરીવાલ અંગેના દાવા વિષે જેલ વહીવટીતંત્રે શું કહ્યું ? વાંચો
અરવિંદ કેજરીવાલનું જેલમાં વજન ઘટી રહ્યું છે અને તે જોખમમાં છે તેવો દાવો થઈ રહ્યો છે ત્યારે તિહાર જેલે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારના મંત્રીઓનો એ દાવો ફગાવી દીધો છે કે અરવિંદ કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટી ગયુ છે. જેલ પ્રશાસને કહ્યું કે, અરવિંદ કેજરીવાલનું વજન હકીકતમાં માત્ર 2 કિલો જ ઘટ્યું છે અને તેમણે આ જાણી જોઈને કર્યું છે. રવિવારે તિહાર જેલ દ્વારા અપાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, અરવિંદ કેજરીવાલ ખાવાનું ઓછું ખાઈ રહ્યા છે.
તિહાર જેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે કેજરીવાલ 1 એપ્રિલે પહેલીવાર જેલમાં આવ્યા હતા ત્યારે તેમનું વજન 65 કિલો હતું. 8 અને 29 એપ્રિલે તેનું વજન 66 કિલો નોંધાયું હતું. વચગાળાના જામીન પર જે દિવસે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું વજન 64 કિલો હતું. 21 દિવસ બહાર રહ્યા બાદ 2 જૂનના રોજ જ્યારે તેઓ પાછો આવ્યા ત્યારે તેમનું વજન 63.5 કિલો હતું. 14 જુલાઈના રોજ તેમનું વજન 61.5 કિલો નોંધાયું હતું. હકીકતમાં તેમનું વજન માત્ર 2 કિલો જ ઘટ્યું છે.
જેલ પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે, કેજરીવાલ જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે. જેલ પરત ફર્યાના બીજા દિવસે એટલે કે, 3 જૂનથી તેઓ ઘણીવાર ઘરેથી આવેલું ભોજન પરત કરી દે છે. સત્તાવાર રીતે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલનું માત્ર 2 કિલો વજન ઘટ્યું છે અને તેનું કારણ એ હોઈ શકે છે કે તેઓ ઓછો અને લો કેલરીવાળો આહાર લઈ રહ્યા છે. નિવેદનની સાથે જ કેજરીવાલને આપવામાં આવેલ અને તેમના દ્વારા પરત કરવામાં આવેલ ભોજનની વિગતો પણ આપવામાં આવી છે.