ઇન્ડસ્ટ્રીના સુકાનીઓએ નિર્મલા સમક્ષ બજેટ માટે શું કરી માંગણીઓ ? જુઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ રજૂ થનારા બજેટને લઈને નાણા મંત્રાલયમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ મીટિંગમાં ઉદ્યોગે નાણામંત્રી સમક્ષ અત્યંત ઊંચા આવકવેરાના દરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડા સાથે તેને ઘટાડવાની માંગ કરી હતી. ચેમ્બરે શેરબજારના રોકાણકારોને રાહત માટે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ નાબૂદ કરવાનું સૂચન કર્યું છે. ફિક્કીએ ટીડીએસ-ટીસીએસમાં રાહતરૂપ ફેરફરો કરવા, ઈંધણ પરનો એક્સાઈઝ ઘટાડવા, જીએસટી માળખાને સરળ બનાવવાની ભલામણ કરી છે. ફુગાવો કાબુમાં લેવા ઈંધણ સસ્તું જરૂરી છે.
કોર્પોરેટ માટે દયાળુ, કરદાતાઓને ડામ કેમ ?
પ્રિ-બજેટ બેઠકમાં બિઝનેસ ચેમ્બરના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એસોચેમ દ્વારા નાણામંત્રીને સોંપવામાં આવેલી માંગણીઓની યાદીમાં વ્યક્તિગત કરદાતાઓ પર ટેક્સનો બોજ ઘટાડવાની માંગ કરવામાં આવી છે. એસોચેમે કહ્યું કે, ભારતમાં કોર્પોરેટ રેટ વૈશ્વિક સ્તરે ખૂબ જ સ્પર્ધાત્મક બની ગયા છે. જે રીતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેવી જ રીતે વ્યક્તિગત આવકવેરાના દરોમાં પણ ઘટાડો થવો જોઈએ.
એસોચેમના જણાવ્યા અનુસાર વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સના દરો વચ્ચેનું અંતર વધ્યું છે. આવકવેરાના સર્વોચ્ચ સ્લેબ માટેનો કર દર જૂની આવકવેરા વ્યવસ્થામાં વધીને 42.744 ટકા થયો છે, જ્યારે નવી કર વ્યવસ્થામાં કરનો દર 39 ટકા છે. જ્યારે સામાન્ય કોર્પોરેટ ટેક્સનો દર માત્ર 25.17 ટકા છે. આનો અર્થ એ થયો કે સામાન્ય કરદાતાઓએ વધુ ટેક્સ ચૂકવવો પડે છે જ્યારે કોર્પોરેટ જગત ઓછો ટેક્સ ભરે છે.
વિશ્વની સરખામણીમાં દેશમાં સૌથી વધુ ટેક્સ દર છે!
એસોચેમ અનુસાર, ભારતમાં વ્યક્તિગત આવકવેરાનો દર અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. વ્યક્તિગત આવક પર મહત્તમ કર દર હોંગકોંગમાં 15 ટકા, શ્રીલંકામાં 18 ટકા, બાંગ્લાદેશમાં 25 ટકા અને સિંગાપોરમાં માત્ર 22 ટકા છે. ઉપરાંત, બે કર પ્રણાલીના અમલ પછી, કરદાતાઓ માટે આવકવેરો ખૂબ જટિલ બની ગયો છે. આવકના સ્ત્રોત પ્રમાણે અલગ-અલગ ટેક્સ દર લાગુ થાય છે. આ ઉપરાંત, જૂના અને નવા કર શાસનમાં, કુલ આવક અને મૂડી લાભ પર અલગ-અલગ દરે સરચાર્જ ચૂકવવો પડે છે.
સરકારે ૪૦,૧૧૪ કરોડનો એસટીટી તો વસૂલ કરી જ લીધો; હવે ઘટાડો
શેરબજારમાં અદભૂત ઉછાળા વચ્ચે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 40,114 કરોડનો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એકત્ર કર્યો છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, આનાથી રોકાણકારો પર ટેક્સનો બોજ ઘટશે અને શેરબજારમાં રોકાણ વધશે, જે અર્થતંત્રને વેગ આપશે.પીએચડી ચેમ્બરે નાણામંત્રીને શેરબજારમાં ટ્રેડિંગ પર લાદવામાં આવેલ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચન કર્યું છે. ચેમ્બરે તેની ભલામણોમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો છે