રિયલ એસ્ટેટ ક્ષેત્રને શું મળી શકે છે લાભ ? જુઓ
દેશમાં રિયલ એસ્ટેટ ડેવેલપર્સને આગામી થોડાક દિવસો બાદ જીએસટીમાં ઘણી રાહત મળી શકે છે તેવા અણસાર છે અને તેને પગલે ફ્લેટ તથા મકાનો સસ્તા થવાની પણ ધારણા છે. 8 અને 9 સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ લેન્ડ ડીલમાં ડેવેલપમેન્ટ રાઇટ્સ પર વિવાદીત 18 ટકા જીએસટીનો મામલો ઘણા સમયથી ગાજી રહ્યો છે અને આ મુદ્દે સમાધાન થવાની શક્યતા છે. મંત્રીઓના જુથ દ્વારા આ મુદ્દા પર સવિસ્તર ચર્ચા થવાની છે.
વાત એમ છે કે જમીનના ખરીદ-વેચાણ દરમિયાન ડેવેલપર્સ પર 18 ટકા જીએસટી લાગે છે અને તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જો કે મંત્રીઓના જુથ દ્વારા આ બારામાં હકારાત્મક ભલામણ થઈ શકે છે તેવા અણસાર છે. જેને પગલે ફ્લેટ અને મકાનો સસ્તા થઈ શકે છે.
આમ થાય તો ઘર ખરીદવા માંગતા લોકોને ઘણી રાહત મળી શકે છે. રિયલ એસ્ટેટ માટે રચાયેલ મંત્રીઓના જુથ દ્વારા 22 ઓગસ્ટના રોજ ખાસ ચર્ચા થવાની છે. લગભગ તો આ વિવાદ ઉકેલાઈ જશે તેમ માનવામાં આવે છે. મંત્રીઓના જુથ દ્વારા ભલામણ બાદ કાઉન્સિલ જાહેરાત કરી શકે છે.