મવડીમાં રહેતા કારખાનેદારની પુત્રી ઘરે કાજુ ખાતી હતી ત્યારે બન્યો બનાવ : શ્વાસ રૂંધાતા કાળનો કોળિયો બની
રાજકોટમાં વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.જેમાં નાના બાળકોને જોયા જાણ્યા વગર કોઈ વસ્તુ ખાવા આપવી કેટલી ખતરાનાખ બને છે.મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં કારખાનેદારની એકની એક પોણા બે વર્ષની પુત્રીનું ગળામાં કાજુ ફસાઈ જતાં શ્ર્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવથી પટેલ પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ મામલે કરૂણ બનાવની મળતી માહિતી મુજબ મવડીમાં બાપા સિતારામ ચોક પાસે આદર્શ એવન્યુ પાછળ આવેલા કાવેરી પાર્ક શેરી નં.1માં રહેતા નિલકંઠભાઈ ગઢીયાની પુત્રી પૃથા (ઉ.વ.પોણા બે વર્ષ ) ગઇકાલે સવારે પોતાના ઘરે કાજુ ખાઈ રહી હતી ત્યારે તેણી કાજુ ગળી જતાં ગળામાં ફસાઈ ગયો હતો.એનએ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિવારજનો દ્વારા તાત્કાલીક પુત્રીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પરંતુ સારવાર કારગત ન નિવડતાં માસુમ પુત્રીનું મોત નિપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસને જાણ કરાતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પૃથા એકની એક પુત્રી હોવાનું અને તેના પિતા કારખાનેદાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ એકની એક માસૂમ પુત્રીનું મોત નિપજતા પટેલ પરિવાર પર દુખનું આભ ફાટ્યું છે.