સંભલ મસ્જિદ કેસમાં 8 જાન્યુઆરી સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક
મસ્જિદ નો સર્વે રિપોર્ટ ન ખોલવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
મુસ્લિમ પક્ષકારોને હાઇકોર્ટમાં અરજી કરવાનો આદેશ
ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં આવેલી જામા મસ્જિદનો સર્વે કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી મુસ્લિમ પક્ષકારો દ્વારા થયેલી અરજીની સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે અરજકર્તાઓને અલ્હાબાદ હાઇકોર્ટમાં દાદ માગવાનો આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટની મંજૂરી વગર અને આઠમી જાન્યુઆરી સુધી આ કેસમાં કોઈપણ કાર્યવાહી કે આદેશ ન કરવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો હતો.
સાથે જ ટ્રાયલ કોર્ટમાં રજુ કરવામાં આવેલ સર્વે રિપોર્ટ પણ ન ખોલવા સર્વોચ્ચ અદાલતે સૂચના આપી હતી. ગત અઠવાડિયે સંભલના સિવિલ જજે ( સિનિયર ડિવિઝન) જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. એ આદેશને શાહી જામા મસ્જિદ કમિટી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. શુક્રવારે તેની સુનાવણી ચીફ જસ્ટીસ સજીવ ખન્ના અને જસ્ટિસ સૂર્ય કાંતની બેંચ સમક્ષ ચાલી હતી. અરજકર્તાઓએ મસ્જિદમાં સર્વે કરવાના નીટલી અદાલતના આદેશ સામે રોક લગાવવાની, મસ્જિદમાં સ્થિતિ યથાવત રાખવાની તેમજ તમામ પક્ષોને સાંભળ્યા વગર આદેશ ન આપવામાં આવે તેવી અને તમામ પક્ષકારોને કાનૂની વિકલ્પ અજમાવવાની તક આપવામાં આવે તેવી માગણી કરી હતી.
તેની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે અદાલતે અરજકર્તાઓને હાઇકોર્ટમાં અરજી કરવાની સુચના આપી હતી. સંભલની અદાલતમાં કેસની અગામી સુનવણી આઠમી જાન્યુઆરીએ નિર્ધારિત છે ત્યારે સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટની મંજૂરી વગર તેમજ આઠમી જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવા નીચલી કોર્ટને આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષકારો અરજી દાખલ કરે તે પછી ત્રણ દિવસમાં તેની સુનવણી ચાલુ કરવા પણ સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઇકોર્ટને નિર્દેશ આપ્યા હતા.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો અને તેની જવાબદારી ઉત્તર પ્રદેશ સરકારની હોવાનું જણાવી શાંતિ સમિતિનું ગઠન કરવા આદેશ કર્યો હતો. અદાલતે સંભલ જિલ્લા વહીવટ તંત્રના પ્રતિનિધિ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ નટરાજનને કહ્યું કે શાંતિ અને ભાઈચારો ખૂબ જરૂરી છે અને આપણે આ મુદ્દે ખૂબ તટસ્થ રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે જોવા તેમણે સરકારને નિર્દેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી અને આદેશ
- સર્વે રિપોર્ટ ખુલશે નહીં
- આ મામલામાં સાચું શું અને ખોટું શું છે તે અમે નથી કહેતા પણ ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવાનો અરજદારોને અધિકાર છે.
*હાઇકોર્ટની મંજૂરી વગર ટ્રાયલ કોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરે - આઠમી જાન્યુઆરી સુધી ટ્રાયલ કોર્ટ કોઈ આદેશ નહિ કરે
- અલ્હાબાદ હાઇકોર્ટ મુસ્લિમ પક્ષની અરજી મળ્યે
ત્રણ દિવસમાં સુનાવણી હાથ ધરશે. - વહીવટી તંત્ર અને શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ સુનિશ્ચિત કરશે.
મુસ્લિમ પક્ષકારોની દલીલ:અરજી થતાં જ નીચલી અદાલતે સર્વેનો આદેશ કરી દીધો હતો
સંભલની આ મસ્જિદ મૂળભૂત રીતે હરિહર મંદિર હોવાના અને બાબરે તે મંદિર તોડી તેની ઉપર મસ્જિદ બનાવી હોવાના દાવા સાથે હિન્દુ પક્ષકારે એ મસ્જિદ નો સર્વે કરવાની તેમજ તેમાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાની માંગણી કરતી અરજી 19 મી નવેમ્બરે ટ્રાય કોર્ટમાં કરી હતી. ટ્રાયલ કોર્ટે એ જ દિવસે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો અને એડવોકેટ કમિશનરની નિમણુક કરી હતી. એડવોકેટ કમિશનર દ્વારા તે જ દિવસે સાંજે 6 થી 8:30 વાગ્યા સુધીમાં સર્વે કરવામાં આવ્યો હતો.
મુસ્લિમ અરજદારોએ સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યા અનુસાર ટ્રાયલ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને સાંભળ્યા વગર જ આદેશ કરી દીધો હતો. મુસ્લિમ પક્ષકારોના કહેવા મુજબ મસ્જિદ કમિટી એ આદેશ સામે કાનૂની પગલા લેવાની તૈયારી કરતી હતી ત્યારે 23મી નવેમ્બરે મધરાત્રે ફરી એક વખત બીજા દિવસે સર્વે થશે તેવી જાણકારી આપવામાં આવી હતી અને 24મી નવેમ્બરે સવારે 6:15 વાગ્યે સર્વે ટીમે મસ્જિદમાં આવી ત્યાં ઉપસ્થિત નમાસીઓને બહાર નીકળી જવા આદેશ કર્યો હતો. એ ઘટના બાદ સંપલમાં તોફાન ફાટી નીકળ્યા હતા જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. નીચલી કોર્ટે મુસ્લિમ પક્ષને સાંભળ્યા વગર જ ઉતાવળે સર્વેનો આદેશ આપ્યો હોવાની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી.