આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂ.561 કરોડના વિકાસ કાર્યોનું થશે લોકાર્પણ-ખાતમુહર્ત, 20 ગામોના 3400 પરિવારોને પ્રોપર્ટીકાર્ડ અપાશે
રાજકોટની મુલાકાતે આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ શહેરના રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી શહેર-જિલ્લાના કુલ રૂપિયા 561 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે જેમાં સૌથી વધુ વિકાસ કામો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના છે. રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે 238 કરોડના ખર્ચે નિર્માણ થયેલ 66કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે.ઉપરાંત 20 ગામના 3400 લોકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટીકાર્ડ અપાશે.
રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સાંજે આગમન થયા બાદ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજના 5થી 6 દરમિયાન વિવિધ વિભાગોના 561 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે જેમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, નર્મદા જળ સંપત્તિ, રમત ગમત, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા સહિતના વિભાગોના કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે. બીજી તરફ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એક હજાર લોકો હાજર રહેશે. તમામ તાલુકામાંથી એક-એક એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કલેકટર કચેરીના સૂત્રો જણાવી રહ્યા છે.

વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર લોકાર્પણ – ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લાના આઠ તાલુકાના 20 ગામોના 3400થી વધુ પરિવારોને ‘સ્વામિત્વ યોજના’ હેઠળ તૈયાર થયેલા પ્રોપર્ટી કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાશે. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ ગામોમાં 772 , કોટડા સાંગાણી તાલુકાના ત્રણ ગામોમાં 586, જામકંડોરણા તાલુકાના બે ગામોમાં 269, જસદણ તાલુકાના બે ગામમાં 310, પડધરીના હરિપર ગામમાં 44, લોધિકા તાલુકાના ત્રણ ગામમાં 643, રાજકોટના કાગદડી ગામમાં 300, જેતપુરના ત્રણ ગામમાં 479 પરિવારોને સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ અપાશે.
