મોરબી રોડ પર 4.21 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવશે રાજકોટ મનપા : એક સાથે 900 લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા
રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં શહેરના સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ એમ ત્રણેય ઝોનમાં પાર્ટીપ્લોટ બનાવવાની જાહેરાત કરાયા બાદ વેસ્ટ ઝોનમાં તાલુકા પોલીસ મથકથી આગળ આવેલા પ્લોટમાં પાર્ટીપ્લોટ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં કમલમ્ કાર્યાલયથી પોણો કિલોમીટર દૂર પાર્ટીપ્લોટ બનાવવાની દરખાસ્ત તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાતાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પ્લોટના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે હવે ઈસ્ટ ઝોનમાં મેયરના વોર્ડ નં.4માં મોરબી રોડ પર ત્રીજો પાર્ટીપ્લોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પાર્ટીપ્લોટ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી જતાં રોડ પર એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મહાપાલિકાના 10361 ચોરસમીટરના પ્લોટ ઉપર બે ભાગમાં બનાવવામાં આવશે મતલબ કે એક જ પ્લોટમાં બે પાર્ટીપ્લોટ તૈયાર કરવામાં આવશે. અહીં એક સાથે 900 લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ઉપરાંત પાર્કિંગ, વર-વધૂ રૂમ, બન્ને પ્લોટમાં સ્ટેજ સહિતની સુવિધા તેમજ અલાયદા ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવશે. આ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેનો પ્રારંભિક ખર્ચ 4.21 કરોડ નક્કી કરાયો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે-તે એજન્સીને કામ સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત આવ્યા બાદ મંજૂરી મળ્યે કામ શરૂ કરી દેવામાં આવશે.