આજે બે ‘ઘાયલ’ ટીમ વચ્ચે ટક્કર : IPL-18માં પ્રથમ મેચ હારેલી કોલકાતા-રાજસ્થાન જીત માટે લગાવશે એડીચોટીનું જોર
આઈપીએલ-18ની પ્રથમ મેચમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે સાત વિકેટે પરાજિત થયા બાદ કોલકાતા આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બેફામ ધોલાઈ ખમી ચૂકેલી રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ મુકાબલો ગૌહાટીના બરસાપારા સ્ટેડિયમ ઉપર સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
ગૌહાટી રાજસ્થાન રોયલ્સનું સેકન્ડ હોમ ગ્રાઉન્ડ છે. અહીં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે જેમાં પહેલાં બેટિંગ કરનારી
ટીમે બે વખત તો બીજી બેટિંગ કરનારી ટીમે એક મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. પહેલી ઈનિંગનો સરેરાશ ટોટલ 180 રન છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સની પીચ ઉપર ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ કેકેઆરના વરુણ ચક્રવર્તી વિરુદ્ધ સરળતાથી રન લીધા હતા જેથી કેકેઆર આશા રાખશે કે વરુણ ગૌહાટીમાં કંઈક કમાલ બતાવે. આ ઉપરાંત ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાની ફિટનેસ ઉપર પણ ટીમની નજર છે. જો તે ફિટ હશે તો આજની મેચમાં સ્પેન્સર જોન્સનની જગ્યાએ પ્લેઇંગ ઈલેવનમાં રમશે.
રાજસ્થાનના બોલરોએ તેની પૂરી તાકાત લગાવી દેવી પડશે કેમ કે કેકેઆર પાસે સુનિલ નરૈન, આંદ્રે રસૈલ ઉપરાંત ઈન ફોર્મ રહાણે સહિતના બેટરો છે. હૈદરાબાદ વિરુદ્ધ પાછલી મેચમાં તેનો મુખ્ય ફાસ્ટ બોલર જોફા આર્ચર જ બેફામ ધોવાઈને ચાર ઓવરમાં ૭૬ રન આપી બેઠો હતો. આ ઉપરાંત ફઝલ હક ફારૂકી અને મહેશ તીકણાનું ચાલવું પણ જરૂરી બની રહેશે