ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીનું પાણી ઝેરી!
અમદાવાદની લેબોલેટરીએ લીધેલા પાણીના સેમ્પલમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ કર્યો જાહેર: સ્વાસ્થ્ય સાથે જમીનને પણ નુકસાન થતું હોવાની લોકોની રાવ
જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વહેતી ઉબેણ અને ઓઝત નદી પ્રદૂષિત હોવાનો ધડાકો થયો છે. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદની લેબોલેટરી દ્વારા ઓઝત નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમા ભારે માત્રામા કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર થયો હતો.
ચોમાસું શરૂ થતાં જુનાગઢ ગીર પંથકની ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા મગફળીનો પાક બળી જતાં મોટા પ્રમાણમાં નુકસાની થયાની ફરિયાદ ઉઠવા પામી હતી. તે સમયે જેતપુરના કેટલાક સાડીના કારખાના દ્વારા ચોમાસામાં નદીઓમાં કેમિકલવાળુ પાણી છોડવામાં આવતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમયે ખેડૂતોએ બેઠક કરી આંદોલન ચલાવ્યું હતું. અમદાવાદની લેબોલેટરી દ્વારા ઓઝત નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો હતો. જેથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા પણ પાણીના નમૂના લઈને તપાસ કરવામાં આવે અને કેમિકલ યુક્ત પાણી છોડતા કારખાનાઓની આ પ્રવૃતિ અટકાવવામાં આવે જેથી ખેડૂતોના પાકને નુકસાન ન જાય. જો આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો ઘેડ પંથકના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.