“ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ RCBના કારણે થઈ” બેંગલુરુ દુર્ઘટના પર ટ્રિબ્યુનલનો રિપોર્ટ
IPL 2025માં RCBની ભવ્ય જીત બાદ સમગ્ર વિશ્વમાં RCBના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણી દરમિયાન નાસભાગ થઈ હતી જેમાં 11 લોકોના મોત નિપજ્યાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ મામલે આજે કોર્ટે RCBને જવાબદાર ઠેરવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) 4 જૂને બેંગલુરુમાં થયેલી ભાગદોડ માટે RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) ને જવાબદાર ઠેરવ્યું છે. ટીમે અચાનક પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી હતી, જેના કારણે લાખોની ભીડ એકઠી થઈ હતી.
આ પણ વાંચો : હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
ભીડ એકઠી થવા માટે RCB જવાબદાર
ટ્રિબ્યુનલે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે, ‘તેથી, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે લગભગ ત્રણથી પાંચ લાખ લોકોની ભીડ એકઠી થવા માટે RCB જવાબદાર છે. RCB એ પોલીસ પાસેથી યોગ્ય પરવાનગી કે સંમતિ લીધી ન હતી. અચાનક સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરવામાં આવી હતી અને તેના પરિણામે લોકો એકઠા થયા હતા.’
ટ્રિબ્યુનલે RCB દ્વારા સમારોહની અચાનક કરવામાં આવેલા એલાનને ‘અવ્યવસ્થા ફેલાવનાર ગણાવ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ‘RCB એ અચાનક કોઈ પણ પૂર્વ પરવાનગી વિના આ પ્રકારની અરાજકતા ઊભી કરી. એવી અપેક્ષા રાખી શકાય નહીં કે માત્ર 12 કલાકમાં પોલીસ પોલીસ કાયદા અથવા અન્ય નિયમો અનુસાર તમામ જરૂરી વ્યવસ્થા કરી શકશે.’
પોલીસકર્મી કોઈ જાદુગર નથી
RCB એ સોશિયલ મીડિયા પર તેમની પ્રથમ IPL જીતના બીજા દિવસે 4 જૂને વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી હતી. પોલીસની ભૂમિકાનો બચાવ કરતા ટ્રિબ્યુનલે કહ્યું કે, ‘પોલીસકર્મીઓ પણ માણસો છે. તેઓ ‘ભગવાન’ કે ‘જાદુગર’ નથી, અને તેમની પાસે ‘અલાદ્દીનનો દીવો’ જેવું કોઈ જાદુઈ ઉપકરણ નથી જે આંગળી મચાવીને કોઈપણ ઇચ્છા પૂર્ણ કરી શકે.’
પોલીસ જરૂરી વ્યવસ્થા ન કરી શકી
ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે પોલીસને યોગ્ય તૈયારીઓ માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. 4 જૂન, 2025 ના રોજ સમયના અભાવે, પોલીસ જરૂરી વ્યવસ્થા કરી શકી ન હતી. પોલીસને પૂરતો સમય મળ્યો ન હતો.’ આ ટિપ્પણી બેંગલુરુના એક પોલીસ અધિકારી દ્વારા તેમના સસ્પેન્શન સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 3 અને 4 જૂનની રાત્રે મોટી સંખ્યામાં લોકો પહેલાથી જ હાજર હતા, જેમને સંભાળવામાં પોલીસ વ્યસ્ત હતી. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં બીજો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, જેનાથી પોલીસ દળ પર વધુ દબાણ આવ્યું. ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું કે પોલીસને આવી ભીડને નિયંત્રિત કરવા અને જરૂરી વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય અને અગાઉથી માહિતી આપવી જોઈતી હતી, જે આ કેસમાં આપવામાં આવી ન હતી.