ભરતી પ્રક્રિયા ચાલુ કર્યા પછી સરકાર નિયમો ન બદલી શકે
સુપ્રિમ કોર્ટે કહ્યું આ રીતે નિયમો બદલવા ગેરકાયદેસર
ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી હોવી જોઈએ
સરકાર ભરતી પ્રક્રિયા ચાલુ કર્યા પછી ભરતીને લગતા નિયમો બદલી ન શકે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી હોવી જોઈએ. ભરતી માટેના નિયમો ભરતી શરૂ થાય તે પહેલા જ સુનિશ્ચિત થઈ જવા જોઈએ. ચાલુ ભરતી પ્રક્રિયાએ નિયમો બદલી ન શકાય, આમ સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદેસર હશે. કોર્ટે કહ્યું કે નિયમોમાં ફેરફાર સંભવિત ભરતીઓને અસર કરી શકે છે, પરંતુ તેની વર્તમાન અથવા ચાલુ ભરતી પર અસર થવી જોઈએ નહીં.
આ નિર્ણય પાછળનો મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંબંધિત છે. 2013માં અનુવાદકોની જગ્યા પર ભરતી દરમિયાન, રાજ્ય સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે માત્ર લેખિત અને મૌખિકમાં 75 ટકાથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોને જ નિમણૂક માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણય એવા ઉમેદવારો પર લાગુ કરવામાં આવ્યો કે જેઓ પરીક્ષા આપી ચૂક્યા છે, જેના કારણે ભરતી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થઈ છે.
સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ, જેથી તમામ ઉમેદવારોને સમાન તક મળી શકે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પમીઘંતમ નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ મનોજ કુમાર મિશ્રાની બંધારણીય બેંચે કહ્યું કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પાત્રતા કે અન્ય કોઈ નિયમમાં ફેરફાર કરવો વ્યાજબી નથી.
ચુકાદાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં, સરકારોએ ફક્ત તે જ નિયમોનું પાલન કરવું જોઈએ જે પ્રક્રિયા શરૂ થયા પહેલા અમલમાં હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઉમેદવારોના અધિકારો અને ન્યાયીપણાના રક્ષણ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે ભરતીમાં પારદર્શિતા હોવી જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે ગેરરીતિ ન થાય.