કેન્દ્ર રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ બનાવશે
સીમાવિહીન અને અદ્રશ્ય આતંકવાદ સામે તૈયારી જરુરી,એન્ટી ટેરર કોન્ફરન્સ-2024માં ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત
સૈનિકોને યોગ્ય તાલિમ નહી મળે તો આતંકવાદ સામે લડી નહી શકે
આતંકવાદ સામે લડવા માટે શું કરવું જોઈએ એ અંગે મંથન કરવા માટે દિલ્હીમાં આતંકવાદ નિરોધી સંમેલન શરુ થયું છે. આ સંમેલનની શરૂઆતમાં કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નેશનલ કાઉન્ટર ટેરરીઝમ પોલિસી લાવવા જઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આતંકવાદ મુક્ત ભારતની જે વાત કરે છે તેની સાથે સાથ સરકાર ઝીરો ટોલરેન્સ પોલીસીનો સ્વીકાર કરીને કામ કરી રહી છે. તેમણે ડેટા સીસ્ટમને મજબુત કરવાની સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ વધારવા ઉપર પણ ભાર મુક્યો હતો. તેમણે એન્ટી ટેરર ઇકોસીસ્ટમ બનાવવાની વાત પણ કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદના સ્વરુપ અને તેની સામે સરકારની તૈયારીઓ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે આપણા સૈનિકોને ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે તાલીમ આપીશું નહીં ત્યાં સુધી આપણે આતંકવાદ સામે લડી શકીશું નહીં. અત્યારે આપણે જે પ્રકારના આતંકવાદ સામે લડી રહ્યા છીએ તે એક સ્વરુપે સીમાવિહીન અને અદ્રશ્ય છે. આનો મજબૂતીથી સામનો કરવા માટે સુરક્ષા દળોના યુવા અધિકારીઓને ઉચ્ચતમ ટેક્નોલોજીથી સજ્જ અને પ્રશિક્ષિત કરવા પડશે.
ગૃહમંત્રીએ કહ્યું કે ઘણા રાજ્યો સૈનિકોને તાલીમ આપવા માટે કાર્યક્રમો ચલાવી રહ્યા છે, પરંતુ આ પૂરતું નથી. જો રાજ્યોને તાલીમમાં મદદની જરૂર હોય, તો હૈદરાબાદ સ્થિત એકેડમી પણ તેમને મદદ કરી શકે છે. આતંકવાદ, આતંકવાદીઓ અને તેની ઈકો-સિસ્ટમ સામે લડવા માટે, ગૃહ મંત્રાલય આગામી સમયમાં ‘નેશનલ કાઉન્ટર ટેરરિઝમ પોલિસી અને સ્ટ્રેટેજી’ સાથે બહાર આવશે.
ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર માત્ર કાયદો બનાવી શકે છે, પરંતુ રાજ્યોમાં આતંકવાદ સામે લડવું એ મુખ્યત્વે રાજ્ય સરકારની બાબત છે.
ગૃહમંત્રીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષમાં 36,468 પોલીસ જવાનોએ દેશની સરહદ અને આંતરિક સુરક્ષા જાળવવા બલિદાન આપ્યું છે.