ગુજરાતમાં સ્થપનારી માઇક્રોન કંપનીને એક નોકરી દીઠ 3.2 કરોડની સબસિડી!
કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીએ હિસાબ ગણાવ્યો
ગુજરાતમાં સ્થપાનારી સેમી કન્ડક્ટર ઉત્પાદક અમેરિકન કંપની માઇક્રોનને 2 અબજ ડોલરની સબસીડી આપવી કેટલી ઉચિત ગણાય તેવો પ્રશ્ન કેન્દ્રના હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર એચડી કુમારસ્વામીએ કર્યો હતો. તેમણે કહ્યું કે આ હિસાબે આ કંપની દ્વારા આપનાર દરેક એક નોકરી દીઠ 3.2 કરોડ રૂપિયા સબસીડી થાય છે.
કેન્દ્રમાં મંત્રીપદ મેળવ્યા બાદ બેંગલુરુ ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે જણાવ્યું કે સરકાર કંપનીના કુલ રોકાણના 70 ટકા એટલે કે બે અબજ ડોલર આપે છે. કંપની આવતા વર્ષોમાં 5000 નોકરી આપવાની છે અર્થાત્ એક નોકરી દીઠ 3.2 કરોડ સબસીડી થાય છે. તેમણે કહ્યું કે મેં આ બાબતે અધિકારીઓને સવાલ કર્યા છે.
તેમણે વિશેષમાં કહ્યું કે બેંગલુરુની પીન્યા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્મોલ સ્કેલ ઉદ્યોગો છે. આપણે તેમને કેટલા લાભ આપ્યા? એ ઉદ્યોગો એ કેટલી નોકરી આપી? આ બધા અંગે અને રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે અંગે હું વિચાર કરી રહ્યો છું.
જો કે તેમના આ નિવેદન બાદ વિવાદ થતાં તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર સેક્ટરને ભારતમાં લાવવું તે ખૂબ મહત્વનું છે. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. મેં કોઈ રાજ્યનું નામ નથી લીધું.
માઈક્રોનને 70 ટકા સબસીડી
માઈક્રોન ટેકનોલોજીએ 2023 ના જૂન મહિનાના ગુજરાતમાં 2.75 અબજ ડોલરની એસેમ્બ્લ અને ટેસ્ટ ફેસિલીટી સ્થાપવાની જાહેરાત કરી હતી.કંપનીએ 825 મિલિયન ડોલરના બે તબક્કાના પ્રોજેક્ટ દ્વારા 5000 નોકરીની તક હોવાનું જણાવ્યું હતું.આ પ્રોજેક્ટ માટે કુલ રોકાણની 50 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા અને 20 ટકા રકમ રાજ્ય સરકારના ઈનસેન્ટિવ થકી મળવાની હોવાનું કંપનીએ તેની સતાવાર યાદીમાં જણાવ્યું હતું.