શક્ય છે ખરું ? નવરાત્રિ રાસોત્સવમાં સ્ટોલ બનાવાની મનાઈ, કેટલા ખેલૈયા આવે છે તેનું રજિસ્ટર રાખવું પડશે
- સોગંદનામાની ત્રણ નકલ મનપાને, એક પોલીસને આપવાની રહેશે: ફાયરના સાધનો કેટલા રાખવા, પાણી કેટલું રાખી સહિતની માર્ગદર્શિકા જાહેર
- મહાપાલિકાએ અધધ ૩૦ નિયમો કર્યા જાહેર, પાલન થાય ત્યારે સાચું
નવરાત્રીને હવે એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે આ તહેવારમાં કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના અને તેમાં પણ ખાસ કરીને ટીઆરપી અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાપાલિકા તંત્ર અત્યારથી જ સચેત બની ગયા છે. પોલીસ દ્વારા થોડા સમય પહેલાં નિયમાવલી જાહેર કર્યા બાદ હવે મહાપાલિકાએ પણ અધધ ૩૦ નિયમો જાહેર કર્યા છે. જો કે તે પૈકીના અમુક નિયમો એવા છે જેનું પાલન થવાની શક્યતા નહીંવત્ છે !!
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં કોઈ પણ પ્રકારના સ્ટોલ બનાવવાની મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત દરરોજ કેટલા લોકો, દર્શકો અને ખેલૈયાઓ આવે છે તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો ફરજિયાત કરાયો છે. રાસોત્સવના આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તેમજ બહાર સરળતાથી વાંચીશ કાય તે પ્રમાણે `નો-સ્મોકિંગ ઝોન, એક્ઝિટ, ઈમરજન્સી એક્ઝિટ’ સહિતના બોર્ડ લગાવવા પડશે. આયોજક દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રિટાઈન્ટડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં વધુ જમીન ઉપર બિછાવવાના રહેશે. ખાસ કરીને ડીઝલ જનરેટર પંડાલ-સ્ટેજથી દૂર રાખવાનું રહેશે. સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રિક લાઈટિંગ, બલ્ક કે ટ્યુબલાઈટ અથવા તેના કોઈ પાર્ટસ કે મંડપના કોઈ પણ ભાગ, સુશોભન તેમજ સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સે.મી.ની અંદર રાખવા પડશે.
આ ઉપરાંત ખાસ કરીને આયોજકે એક સોગંદનામું કરવું પડશે જેમાં તમામ ૩૦ નિયમોનું પાલન કરશે તેની બાહેંધરી આપવા સહિતનું લખાણ આપવાનું રહેશે. આ સોગંદનામાની ચાર નકલ તૈયાર કરીને તેમાંથી ત્રણ નકલ મહાપાલિકાને અને એક નકલ પોલીસ કમિશનર કચેરીમાં જમા કરાવવાની રહેશે. દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું કે મહાપાલિકાની ટીમ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને નિયમોનો ઉલાળિયો કરનારા સામે કાર્યવાહી કરશે !
ચીફ ફાયર ઓફિસરની ‘જગ્યા’ કે ‘શાપ' ? વધુ એક અધિકારીએ માંગી મુક્તિ !
જ્યારથી ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ થયો છે ત્યારથી લઈ આજ સુધી મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા જાણે કે
શાપ’ બની ગઈ હોય તેમ ત્યાં બેસવા માટે કોઈ તૈયાર થઈ રહ્યું નથી. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર જેલમાં ગયા બાદ તેમના સ્થાને કચ્છ-ભૂજથી અનિલ મારુને મુકાયા હતા. જો કે તેઓ લાંચ લેતાં પકડાઈ જતાં ખાલી પડેલી જગ્યાએ સરકાર દ્વારા અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મીથુન મીસ્ત્રીને મુકવાનો હુકમ કર્યો હતો પરંતુ તેઓએ પણ આ જગ્યા સંભાળવા ઈનકાર કરતા આખરે અમિત દવેને આ ભારે ભરખમ ચાર્જ સોંપાયો હતો પરંતુ હવે તેઓ પણ પારિવારિક કારણોસર આ જવાબદારી સંભાળી શકે તેમ ન હોવાથી આ ચાર્જમાંથી મુક્તિ આપવા કમિશનરને પત્ર લખ્યો છે જેના ઉપર ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.