હૈદરાબાદમાં ચાર મિનાર નજીક ગંભીર દુર્ઘટના : ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગતાં 17 લોકોના કરુણ મોત
હૈદરાબાદના ચારમિનાર નજીક ગુલઝાર હાઉસ નામની ઈમારતમાં રવિવારે સવારે લાગેલી ભીષણ આગની ઘટનામાં 17 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. મૃતકોમાં 8 બાળકોનો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. હૈદરાબાદના ઇતિહાસની આગની આ સૌથી મોટી દુર્ઘટના હતી અને બનાવને પગલે સમગ્ર શહેર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. બનાવ અંગે ઘેરું દુઃખ વ્યક્ત કરી વડાપ્રધાન મોદીએ મૃતકો માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે.
હૈદરાબાદ ઓલ્ડ સિટીમાં ઐતિહાસિક ચાર મિનાર નજીક આવેલ બજાર વિસ્તારમાં મુખ્યત્વે આભૂષણોની દુકાનો આવેલી છે. એ વિસ્તારમાં આવેલી ગુલઝાર હાઉસ નામની ત્રણ મજલાની ઈમારતમાં રવિવારે સવારે 6.15 વાગ્યે ભોંય તળિયે આવેલી આભૂષણની દુકાનમાં આગ લાગ્યા બાદ જોત જોતામાં વિકરાળ અગનજ્વાળાઓએ ત્રણેય માળને લપેટમાં લઈ લીધા હતા. બનાવની જાણ થતાં 12 ફાયર ટેન્ડર સાથે ફાયર બ્રિગેડ શાખાના 11 અધિકારીઓ અને 70 જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા પણ અત્યંત સાંકડી શેરીઓને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું. ફાયરબ્રિગેડને ભારે જહેમત બાદ બે કલાક પછી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી પરંતુ તે દરમિયાન 17 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.જ્યારે 10 કરતાં વધારે ઘાયલોને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ, ડીઆરડીઓ હોસ્પિટલ, યશોદા હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે પૈકીના કેટલાક લોકોની હાલત ગંભીર હોવાને કારણે મૃત્યુ આંક વધવાનો ભય સેવાઇ રહ્યો છે.
મૃતકોની યાદી
પ્રહલાદ (70), મુન્ની (70), રાજેન્દ્ર મોદી (65), સુમિત્રા (60), હમી (7), શીતલ (35), પ્રિયાંશ (4), ઈરાજ (2), અરુષિ (3), રિષભ (4), પ્રથમ (1.5), અનુયન (3), વર્ષા (35), પંકજ (36), રજની (32), ઈદ્દુ (4) અને અભિષેક (31)