ગુજરાત સહિત દેશના કેટલાક ખેડૂતોની વાર્ષિક કમાણી જુઓ કેટલી છે
ખેડૂતો ફરીવાર ઉગ્ર આંદોલન કરી રહ્યા છે ત્યારે વાંચકોને આ જાણીને નવાઈ લાગશે
દેશના અતિ સમૃદ્ધ 10 ખેડૂતો સાથે આઓ મુલાકાત કરીએ અને એમની પ્રગતિ જાણીએ: ગુજરાતનાં ગીમાભાઈ પટેલ વર્ષે રૂ.70 લાખ કમાય છે
અત્યારે ખેડૂતો ઉગ્ર આંદોલન કરીને કેન્દ્ર સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી રહ્યા છે અને પોતાનો આર્થિક લાભ વધારવા માટે તેઓ ૧૦થી પણ વધુ મુખ્ય માંગણી કરી રહ્યા છે. નો ડાઉટ આપણો કૃષિ આધારિત દેશ ખેડૂત અને ખેતી પર ઘણો નિર્ભર છે. છતાં આજે તમને એક એવી વાસ્તવિકતા બતાવવી છે કે જે જાણીને તમે પણ મોઢામાં આંગડા નાખી જશો.
વાત આપણાં દેશના ઘણા બધા એવા ખેડૂતોની છે જેમની આવક વાર્ષિક રૂ.90 લાખથી લઈને રૂ.2 કરોડ સુધીની છે. આજે તમારી મુલાકાત દેશના 10 સૌથી સમૃદ્ધ ખેડૂતો સાથે કરાવવી છે. જેમાં ગુજરાતનાં ખેડૂત ગીમાભાઈ પટેલ પણ છે. એમની વાર્ષિક આવક રૂ.70 લાખ છે. ગીમાભાઈએ કોરોના કાળમાં દાડમની ખેતી કરી હતી અને લોકોને મફતમાં દાડમ પૂરા પડ્યા હતા.
જયપુરના ખેમારામ ચૌધરી પણ સમૃદ્ધ ખેડૂત છે. એમણે ઇઝરાયલની પદ્ધતિથી ખેતી કરી અને આજે તેઓ કરોડપતિ છે. એમની વાર્ષિક આવક રૂ.90 લાખ છે. તેઓ જ્યારે ઇઝરાયલ ગયા હતા ત્યારે એમણે પોલી હાઉસ ખેતી જોઈ હતી અને પોતાના ગામમાં આવીને તેનો પ્રયોગ કર્યો હતો. પૂણેના જ્ઞાનેશ્વર નામના ખેડૂત ક્રાંતિકારી છે. ખેતીના બદલે ઘર ચલાવવા માટે ગીરવે રાખેલી જમીનનો ઉપયોગ કરતાં કેટલાક ખેડૂતોને એમણે સહાયતા કરી અને સમૃદ્ધ કરી દીધા.
જયપુરના રમેશ ચૌધરી નામના ખેડૂતે પણ ઇઝરાયલની પદ્ધતિથી પોલી હાઉસ ખેતી કરી મકાઇ અને શાકભાજીની ખેતી કરી આજે એમની માલિકીના મોબાઈલ શો-રૂમ સહિત અનેક બિઝનેસ છે. પૂણેના વિશ્વનાથ બોડકે પાંચમા ધોરણ સુધી ભણેલા છે. એમણે સ્ટ્રોબેરી જેવા મોંઘા ફળની ખેતી શરૂ કરી અને આજે એમની વાર્ષિક આવક રૂ.1.10 કરોડ છે. બિહારના રાજીવ બિટ્ટુ પહેલા સીએ હતા અને વર્ષે રૂ.25 લાખ કમાતા હતા. ત્યારબાદ એમણે શાકભાજીની ખેતી શરૂ કરી અને આજે એમની વાર્ષિક આવક રૂ.1 કરોડથી વધારે છે.
યુપીના બારાબંકી જિલ્લાના રામ શરણ વર્માએ પંચ એકરમાં ખેતી શરૂ કરી હતી અને આજે 200 એકરમાં ખેતી કરે છે. શાકભાજી અને ફળની ખેતી કરીને આજે તેઓ વર્ષે રૂ.1.30 કરોડ કમાય છે. એજ રીતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નાગપુરના ખેડૂતોએ તો પોતાની વાર્ષિક આવક રૂ.2 કરોડ સુધી પહોંચાડી દીધી છે.
આમ કહેવાનો મતલબ એ છે કે, દેશના તમામ ખેડૂતો ગરીબ કે સામાન્ય સ્થિતિના જ નથી. ઘણા રાજ્યો એવા છે કે જ્યાં ખેડૂતો પોતાની મહેનતથી અને નવા-નવા પ્રયોગોથી વધુને વધુ સમૃદ્ધ બની રહ્યા છે. જો કે, અનેક રાજ્યના ખેડૂતોની સ્થિતિ સામાન્ય હોઇ શકે છે અને એમને સહાયતાની જરૂર હોઇ શકે છે.