રામ મંદિર દાન ચોરી મામલે SCએ SIT રિપોર્ટ 1 અઠવાડિયામાં માંગ્યો, CBI તપાસ-ફોરેન્સિક ઓડિટની માંગ પર 20એ સુનાવણી
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન ચોરીના આક્ષેપો મામલે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પાઠવીને એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સાથે જ યુપી સરકારની SITનો સીલબંધ રિપોર્ટ પણ રજૂ કરવા આદેશ આપ્યો છે. હિન્દુ ધર્મ પરિષદ સહિત 4 અરજીકર્તાઓએ CBI તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરી છે. આ મામલાની આગામી સુનાવણી 20 તારીખે થશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ: ટ્રસ્ટ અને SIT પાસે રિપોર્ટ માંગ્યો
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી કે ‘અમે સમજીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે’. કોર્ટે 2 મહત્વના આદેશ આપ્યા:
– શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને 1 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા નોટિસ
– યુપી સરકારની SITને પણ એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ કરવા આદેશ. સુરક્ષા અને ગુપ્તતાના કારણે આ રિપોર્ટની નકલ અરજીકર્તાઓને અત્યારે નહીં આપવામાં આવે.
CBI તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ
આ મામલે સુપ્રીમ કોર્ટમાં કુલ 4 અરજીઓ દાખલ થઈ છે. તેમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, અજય કુમાર રાય, RJD સાંસદ સુધાકર સિંહ અને ‘હિન્દુ ધર્મ પરિષદ’ સામેલ છે.
આ પણ વાંચો: ભાભર-દિયોદર હાઇવે પર અકસ્માત સર્જાતાં બંને ગાડીના ચાલકના ઘટનાસ્થળે જ મોત
અરજીકર્તાઓની મુખ્ય માંગ:
1. સમગ્ર મામલાની CBI તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવામાં આવે
2. મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ થાય
3. દાન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો, CCTV ફૂટેજ અને ડિજિટલ લોગ તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવે
અરજીકર્તાઓની દલીલ: “દાન એ દેવતાની સંપત્તિ છે”
વકીલ નરેન્દ્ર ગોસ્વામીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સાર્વજનિક મંદિરમાં ભક્તો દ્વારા અપાતું દાન એ ‘પવિત્ર ન્યાસ સંપત્તિ’ છે. તે કાયદેસર રીતે આરાધ્ય દેવતાની માલિકીનું છે. તેથી દાનનું સંચાલન કરનારાઓ સંપૂર્ણ પારદર્શકતા અને જવાબદારી માટે બંધાયેલા છે.
રાષ્ટ્રીય મહત્ત્વના મંદિરો માટે ગાઇડલાઇનની માંગ
અરજીકર્તાઓએ કોર્ટને વિનંતી કરી છે કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેશના તમામ રાષ્ટ્રીય મહત્ત્વના મોટા મંદિરો માટે કરોડો રૂપિયાના દાન અને કીમતી વસ્તુઓના વહીવટ માટે એક ખાસ બંધારણીય વ્યવસ્થા અને કડક ગાઇડલાઇન બનાવવામાં આવે.
ઉલ્લેખનીય: આ પહેલા સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આરોપોની ગંભીરતાને જોતા જસ્ટિસ સુંદરેશની બેંચે ઉનાળુ વેકેશન બાદ મામલાને લિસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી સોમવાર, 20 તારીખે હાથ ધરાશે.
