ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે, ચારધામ યાત્રા સ્થગિત
ચમોલી, પૌડી, રુદ્ર પ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનિતાલ અને ઉધમસિંહ નગરમાં અનરાધાર વરસાદ
ઉત્તરાખંડમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે, નદી કિનારે રહેતા લોકોનું સલામત સ્થળે સ્થાનાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ચારધામ યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે.
ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં સાતમી અને આઠમી જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદના કારણે રવિવારે ચારધામ યાત્રાને અનિશ્ચિત મુદત માટે અટકાવી દેવામાં આવી છે. ગઢવાલના અધિકારીઓએ કહ્યું કે તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને જણાવવામાં આવ્યું છે કે ઋષિકેશથી આગળ ચારધામ યાત્રા પર ન જવું. ચમોલી, પૌડી, રુદ્ર પ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનિતાલ અને ઉધમસિંહ નગરમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે હરિદ્વાર, દહેરાદૂન, ટિહરી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તરાખંડમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને છેલ્લા 24 કલાકમાં, ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. સતત ભારે વરસાદને કારણે રાજ્યની અલકનંદા, મંદાકિની, કાલી, ગંગા સહિતની તમામ નદીઓના જળસ્તર ઝડપથી વધી રહ્યા છે.
ઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાનની નજીક છે, કાલી નદી અને અલકનંદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને ગંગોત્રી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બ્લોક થઇ ગયો છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.