હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
મુંબઈમાં ફસાયેલુ ચોમાસું સોમવારે આગળ વધી શકે છે: અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે
અલ-નીનો વરસાદનું ગણિત બગાડશે: સપ્ટેમ્બરમાં કાં તો અતિ ભારે વરસાદ પડશે કાં તો પડશે જ નહીં: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
ઉનાળો હળવો થવાનું નામ જ લઈ રહ્યો નથી અને ગરમી ભૂક્કા કાઢી રહી છે ત્યારે હવે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો હવે દિવસમાં વારંવાર આકાશ તરફ નજર કર્યા વગર રહી શકતા નથી અને વરુણદેવને ઝડપથી પધારી જવા માટે વિનવણી કરી રહ્યા છે ત્યારે હજુ દસ દિવસ સુધી વરસાદની રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ છે. સામાન્ય રીતે ૧૫ જૂનથી ચોમાસું બેસી જતું હોય છે અને વરસાદી માહોલ જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું મુંબઈમાં ફસાઈ ગયું હોવાને કારણે સોમવારથી આગળ વધે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ૨૩ જૂન બાદ વરસાદી માહોલ જામી શકે છે. ચોમાસાનો માહોલ ન જામવા પાછળ ઉંચું તાપમાન અને ભેજનો અભાવ કારણભૂત છે. આ ઉપરાંત અલ-નીનો પણ એટલુ જ જવાબદાર છે ત્યારે સપ્ટેમ્બરમાં તેની અસર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અલ-નીનોને કારણે સપ્ટેમ્બરમાં કાં તો અતિ ભારે અથવા તો ચોમાસાને સાવ બ્રેક જ લાગી જાય તેવી શક્યતા રહેલી છે.
તેમના જણાવ્યા પ્રમાણે અરબ દેશમાંથી આવતા ગરમ પવનને કારણે ચોમાસું નબળું પડી રહ્યું છે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે કેમ કે અરબ સાગર સક્રિય નથી. જો અરબ સાગરના પ્રવાહ અને બંગાળના ઉપસાગરમાં પ્રવાહ એકસાથે થાય તો જ સારો વરસાદ પડી શકે છે. વાદળનું જૂથ પૂર્વ આફ્રિકા તરફ આવ્યું ન હોવાને કારણે અરબ સાગરમાં વરસાદની અસર જોવા મળી રહી છે. સાથે સાથે ગંગા-જમનાના મેદાનો તપવા જોઈએ તેના બદલે પશ્ચિમી વિક્ષોભ થઈ રહ્યા છે. આ જ કારણથી દેશમાં પવનની સ્થિતિ સ્થિર રહી શકતી નથી. જો કે ૧૫ જૂન બાદ ચોમાસું આગળ વધે અને ૧૯ જૂન સુધીમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સીઝનનો પ્રથમ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડે તેવું અંબાલાલ પટેલ માની રહ્યા છે.
આ પણ વાંચો: કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
રાજકોટમાં ૧૭માંથી ૧૦ વર્ષ વરસાદની પધરામણી ૩થી ૨૩ જૂન વચ્ચે થઈ છે
રાજકોટવાસીઓ હવે વરસાદની ચાતકનજરે રાહ જોઈને બેઠા છે પરંતુ હજુ દસ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા રહેલી નથી ત્યારે પાછલા ૧૭ વર્ષ દરમિયાન પ્રથમ વરસાદ ક્યારે પડ્યો તેનું આકલન કરવામાં આવતા ૧૭માંથી ૧૦ વર્ષ સુધી વરસાદની પધરામણી ૩થી ૨૩ જૂન વચ્ચે થવા પામી છે. ૨૦૨૫માં પ્રથમ વરસાદ ૫ મેએ પડ્યો હતો. આ સિવાય અન્ય વર્ષોની વાત કરવામાં આવે તો ૨૦૨૪માં તો ૨ એપ્રિલે પ્રથમ વરસાદ નોંધાયો હતો અને એ વર્ષમાં સીઝનનું કુલ ૪૯ ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે ૨૦૨૩માં સૌથી ઓછો ૨૫ ઈંચ વરસાદ પડ્યો હતો એ વર્ષે પ્રથમ વરસાદ ૬ એપ્રિલે પડ્યો હતો. જ્યારે ૨૦૨૨માં ૬ જાન્યુઆરી અને ૨૦૨૧માં ૧૭ મેએ સીઝનનો વરસાદ પડ્યો હતો.
જૂન મહિનામાં કયા વર્ષે વરસાદ પડ્યો
| વર્ષ | તારીખ | સીઝનનો કુલ વરસાદ (ઈંચમાં) |
| ૨૦૦૮ | ૪ | ૩૨ |
| ૨૦૦૯ | ૨૩ | ૨૨ |
| ૨૦૧૦ | ૨ | ૫૫ |
| ૨૦૧૧ | ૧૦ | ૩૯ |
| ૨૦૧૨ | ૧૩ | ૧૯ |
| ૨૦૧૫ | ૩ | ૩૧ |
| ૨૦૧૬ | ૨૭ | ૧૮ |
| ૨૦૧૮ | ૨૩ | ૨૨ |
| ૨૦૧૯ | ૧૩ | ૬૧ |
| ૨૦૨૦ | ૬ | ૪૫ |
