બંગાળમાં વકફ કાયદા સામે હિંસક વિરોધ : હિન્દુ સમાજના 500 લોકોની હિજરત
બંગાળમાં વકફ કાયદા સામેનો હિંસક વિરોધ વધુ આક્રમક બન્યો છે અને સ્થિતિ સ્ફોટક બનતાં કેન્દ્રીય દળોની 18 ટુકડીઓ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવાઈ હતી. પથ્થરમારા અને આગજનીમાં 18 પોલીસમેન પણ ઘાયલ થયા હતા. મૂરશીદાબાદ સહિતના વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી હાલત વચ્ચે હિન્દુ સમાજના 500 લોકો ઘરબાર છોડી હિજરત કરી ગયા હતા. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. ઘરો અને દુકાનોમાં લૂટ કરાઇ હતી અને વાહનો સળગાવી દેવાયા હતા. જો કે રવિવારે પોલીસે કહ્યું હતું કે સ્થિતિ કાબુમાં લઈ લેવાઈ હતી. હિજરત કરનારા લોકો માલદા પહોંચી ગયા હતા.
મૂરશીદાબાદના શમશેરગંજમાં રમખાણો થયા બાદ ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે . ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરવામાં આવી છે. મમતા સરકારે તોફાનીઓને છૂટ આપી હોવાનો આરોપ મૂક્યો છે .
ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ રવિવારે દાવો કર્યો હતો કે વક્ફ કાયદા પર થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયાનમાં 500 થી વધુ હિન્દુઓને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
ફોટા અને વીડિયોમાં લોકોએ શું દાવો કર્યો ?
ભાજપના નેતાએ જે લોકોના ફોટા અને વીડિયો શેર કર્યા છે તેમાંથી એકે દાવો કર્યો છે કે તેમનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને પોલીસ અધિકારીઓએ કંઈ મદદ કરી નહીં અને સ્થળ પરથી ભાગી ગયા. તેમણે વિસ્તારમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેમજ જિલ્લા અને રાજ્ય પોલીસને લોકોના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરવા વિનંતી કરી છે .
ભાજપ દ્વારા 16 મીએ શહીદ દિવસ મનાવાશે
દરમિયાનમાં હિંસા દરમિયાન શનિવારે બે હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી અને તેને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે ત્યારે ભાજપ દ્વારા એવી જાહેરાત કરાઇ હતી કે હિન્દુ લોકોની હત્યાના વિરોધમાં 16 મીએ પાર્ટી દ્વારા શહીદ દિવસ મનાવવામાં આવશે અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.