ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમની બહાર વિરોધ : 20 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં ભારતીય ટીમે જીત મેળવ્યા બાદ હવે બીજી ટેસ્ટ મેચ બંને ટીમ કાનપુરમાં રમશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ અને ગ્વાલિયરમાં રમાનાર ટી-20 મેચને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. આ વિરોધ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં થઈ રહ્યો છે. ગ્રીન પાર્કની બહાર વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
રોડ પર હવન કરવામાં આવ્યો
કાનપુરમાં પોલીસે આજે અખિલ ભારતીય હિંદુ મહાસભાના 20 સભ્યો વિરુદ્ધ FIR નોંધી છે, જેઓ ગ્રીન પાર્ક સ્ટેડિયમના ગેટ નંબર 10Bની સામે ટ્રાફિકને અટકાવીને રસ્તા પર હવન કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, VIP ગેસ્ટ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) હરીશ ચંદરે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સહિત પૂરતા પોલીસ દળની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમને પૂરતું પોલીસ બળ મળશે.’
ગ્રીન પાર્ક ત્રણ ભાગોમાં વિભાજિત
ગ્રીન પાર્ક સ્ટેડિયમ અને હોટેલ લેન્ડ માર્કને સેક્ટર, ઝોન અને સબ-ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેનું નિયંત્રણ અનુક્રમે DCP, ADCP અને ACP સ્તરના અધિકારીઓને આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝીણવટભરી નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
હિન્દુ મહાસભાનું ‘ગ્વાલિયર બંધ’
ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ મેચના વિરોધમાં હિન્દુ મહાસભાએ 6 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંધનું એલાન આપ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં T20 મેચ રમાવાની છે. સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં હજુ પણ હિંદુઓ વિરુદ્ધ “અત્યાચાર” ચાલુ છે અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સાથે ક્રિકેટ રમવું યોગ્ય નથી. હિન્દુ મહાસભાએ મેચના દિવસે ‘ગ્વાલિયર બંધ’નું આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નહીં હોય.