શ્રમિક પરિવારનાં પુત્રની અનમોલ સફળતા : હેત પેથાણી ધો.12 સાયન્સમાં 99.98 PR સાથે બોર્ડમાં બીજા સ્થાને
પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.. આ વાતને રાજકોટની એસ. કે પી. સ્કૂલના વિદ્યાર્થી હેત પેથાણીએ સાકાર કરી બતાવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં મજૂરી કામ કરતાં શ્રમિક પરિવારનો હેતએ ઉંચી ઉડાન ભરી છે. હેત કપિલભાઈ પેથાણીએ 99.98 PR સાથે બોર્ડમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને એસ.કે.પી.સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.
“વોઈસ ઓફ ડે” ની શુભેચ્છા મુલાકાતે આવેલા હેત પેથાણીએ આ તકે ખાસ સ્કૂલના સંચાલક અશોક પાંભર અને રમેશ પાંભરનો આભાર માન્યો હતો. તેને જણાવ્યું હતું કે, આજે મને જે સફળતા મળી છે તેના માટે આ બંને સર નો હું આજીવન રૂણી રહીશ.
અભ્યાસ દરમિયાન કોઈપણ તકલીફ ઊભી ન થાય તે માટે હેતને શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વાંચન માટેની વ્યવસ્થા તેમજ જ્યારે કોઈપણ ડીફીકલ્ટી ઉભી થતી ત્યારે તાત્કાલિક તેનું નિરાકરણ આવે તે માટે અશોકભાઈ પાંભર અને રમેશભાઈ પાંભર દ્વારા વ્યવસ્થા કરી અપાતી.
સમગ્ર ગુજરાતમાં બીજા સ્થાન સાથે હેતે કેમેસ્ટ્રીમાં 100 માંથી 100,ગણિતમાં 100 માંથી 100, ફિઝિક્સમાં 97 માર્ક્સ મેળવ્યા છે. હેતનો ભાઈ ઉત્તમ પેથાણી પણ આ જ સ્કૂલમાં ભણ્યો હતો અને હાલમાં મેડિકલ ના બીજા વર્ગમાં કોલેજમાં ગવર્મેન્ટ ક્વોટામાં અભ્યાસ કરી રહ્યો છે. શાળા સંચાલકો અશોક પાંભર અને રમેશ પાંભરનાં માર્ગદર્શન હેઠળ અહીં સુધી પહોંચનાર હેત પેથાણી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી એમઝોનમાં નોકરી કરવાં માગે છે.