એક કિ.મી.ના રૂા.2ના સરકારી ભાડા સામે દર્દીઓ રૂા.8 ખર્ચવા મજબૂર!
રાજકોટ સિવિલમાં `લૂંટ’ ACમાં બેઠેલા અધિકારીઓ બહાર આવીને જુએ!
ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોને બખ્ખા, દર્દીના સબંધીઓ લૂંટાઈ રહ્યા છે
રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. એક તરફ હોસ્પિટલના અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઠંડી અઈ ચેમ્બરમાં બેસીને ‘કાયાપલટ’ના સ્વપન સેવે છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલની પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. એમ્બ્યુલન્સની ભારે અછતને કારણે ગરીબ દર્દીઓ એક કિ.મી.ના રૂપિયા 2ના સરકારી ભાડા સામે રૂપિયા 8 ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોને આપવા મજબૂર બન્યા છે.
સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને સિવિલ તંત્રની એમ્બ્યુલન્સની અછતને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ પાસે કુલ 5 એમ્બ્યુલન્સ, એક શબવાહિની અને એક છોટા હાથી સહિત કુલ 7વાહનો છે. પરંતુ, છેલ્લા 10 દિવસથી 3 એમ્બ્યુલન્સ અને 1 શબવાહિની રિપેિંરગ માટે અમદાવાદમાં છે, જેના કારણે અત્યંત ભયંકર અછત સર્જાઈ છે.
આ અછતનો સીધો માર ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ પર પડ્યો છે. નિયમ મુજબ, દર્દીઓને પ્રતિ કિલોમીટર માત્ર રૂ. 2ના ભાડે સરકારી એમ્બ્યુલન્સ મળવી જોઈએ. જોકે, સરકારી વાહનો ન મળતા, ગરીબ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ રિફર થતી વખતે કે મૃત્યુ બાદ પાર્થિવ દેહને વતન લઈ જવા માટે ફરજિયાતપણે પ્રતિ કિલોમીટર રૂ. 8 જેટલો ઊંચો ખર્ચ ખાનગી એમ્બ્યુલન્સ માટે કરવો પડે છે. માત્ર દર્દીઓ જ નહીં, મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનોની હાલત પણ કફોડી છે. એકમાત્ર શબવાહિની પણ રિપેિંરગમાં હોવાથી, ગરીબ પરિવારો પાસે સ્વજનના મૃતદેહને ઘર સુધી પહોંચાડવા માટે કોઈ સરકારી વિકલ્પ ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિનો લાભ ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિની સંચાલકો ઉઠાવી રહ્યા છે અને ગરીબો પાસેથી મનફાવે તેવા ઊંચા નાણાં વસૂલીને સરાજાહેર લૂંટ ચલાવી રહ્યા છે.
હોસ્પિટલના પીઆરઓ ડો. હર્ષદ દુસરાના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ સુધારવા માટે સરકાર સમક્ષ પાંચ નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરવામાં આવી છે. જોકે, આ માંગણી ક્યારે પૂરી થશે અને ગરીબ દર્દીઓને આ લૂંટમાંથી ક્યારે રાહત મળશે તે એક મોટો પ્રશ્ન છે.
પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો પડ્યા પાથર્યા રહે છે
સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમ રૂમ પાસે જ ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો ડેરો નાંખીને બેઠા હોય છે તેવામાં જેવો કોઈ મૂર્તદેહ આવે કે તરત જ તેમના સ્વજનો સાથે વાતચીત કરી તેમની શીશામાં ઉતારવાની કાર્યપધ્ધતિ શરૂ કરવામાં આવે છે. મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે, ગુજરાતમાં કોઈપણ સ્થળ પર મૃતદેહ લઈ જવા માટે સિવિલમાંથી એમ્બ્યુલન્સ મળતી હોય છે તે પણ ફક્ત રૂપિયા 2 પ્રતિ કિમીના દરે ત્યારે આ અંગે સિવિલ સત્તાધીશો દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવા અનિવાર્ય બની ગઈ છે.
એમ્બ્યુલન્સ કરતા ડ્રાઈવરની સંખ્યા ત્રણ ગણી !
એવી વિગત પણ જાણવા મળી છે કે સિવિલ હોસ્પિટલ પાસે કુલ સાત એમ્બ્યુલન્સ છે જેમાંથી ચાર એમ્બ્યુલન્સ અત્યારે રિપેિંરગમાં પડેલી છે. જ્યારે ત્રણ એમ્બ્યુલન્સમાંથી એક છોટાહાથી જેવું વાહન છે. હાલ તો દર્દીઓએ આ ત્રણ એમ્બ્યુલન્સ ઉપર જ નિર્ભર રહેવું પડતું હોય એક ધક્કે કયારેય તે મળતી નથી. બીજી બાજુ એમ્બ્યુલન્સની સંખ્યા કરતા ડ્રાઈવરની સંખ્યા ત્રણ ગણી હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણ એમ્બ્યુલન્સ સામે નવ ડ્રાઈવર કાર્યરત છે.
