ડમી સીમકાર્ડ ખરીદનારાઓની ખેર નહિ !! લાખો રૂપિયાનો થશે દંડ, ભોગવવો પડશે જેલવાસ
દેશમાં 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. ટેલિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે. આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023એ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933નું સ્થાન લીધું છે. જેમાં કેટલીક સખત સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. એક વ્યક્તિ 9 થી વધુ સીમકાર્ડ રાખશે તો પ્રથમવાર રૂપિયા 50 હજાર અને વારંવાર ગુનો કરવા માટે રૂપિયા 2 લાખનો દંડ થશે.
એ જ રીતે છેતરપિંડી કે બનાવટી પધ્ધતિથી સીમકાર્ડ પ્રાપ્ત કરવામાં આવે તો રૂપિયા 50 લાખનો દંડ અને 3 વર્ષની જેલ થશે. તમારા આધાર કાર્ડ સાથે કેટલા સીમ લિન્ક છે અને તમે જો કોઈ સિમનો ઉપયોગ કરતાં નથી તો તેને ડિસકન્ટીન્યુ કરવું જરૂરી બનશે. નકલી સીમ વેચવા અને ખરીદવા માટે 3 વર્ષની જેલ સજા થશે. મંજૂરી વગર કોલ ટેપ કરવા બદલ 3 વર્ષની કેદ અને રૂપિયા 2 કરોડ સુધીનો દંડ થશે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નવા કાયદાને બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. જયારે હવે આ કાયદાનો અમલ થયો છે. ટેલિકોમ એક્ટ 2023માં કાયદાની કલમ 1, 2, 10 થી 30, 42 થી 44, 46, 47, 50 થી 58, 61 અને 62 ની જોગવાઈઓ અમલમાં આવશે ત્યારે એક્ટને લગતી ખાસ બાબતો જોઈએ.
એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ 9 સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના લોકો માત્ર 6 સિમ રજીસ્ટર કરાવી શકે છે. તેનાથી વધુ સિમ કાર્ડ લેનાર માટે પ્રથમ વખત રૂ. 50 હજારના દંડ અને બીજી વખત આવું થાય તો રૂ. 2 લાખ દંડની જોગવાઈ છે.
ગુનાખોરી પર અંકુશ લગાવવા તેમજ સિમ કાર્ડ જારી થતા રોકવા માટે પણ આ એક્ટમાં કડક જોગવાઈઓ છે. જેમાં નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા રૂ. 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સિમ આપવામાં આવશે.
