‘NEET’ની પરીક્ષામાં માર્કસ વધારી આપવાની લાલચે અનેક વાલીઓ ફસાયાની આશંકા : 4 આરોપીની શોધખોળ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના પિતા પાસેથી ‘નીટ’ની પરીક્ષામાં સારા માર્કસ અપાવી દેવાની લાલચ આપી 30 લાખ પડાવી લેનારી ગેંગના મુખ્ય સૂત્રધારને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો હતો. જ્યારે અન્ય સૂત્રધાર એવો બેંગ્લુરુનો શખ્સ સહિત ચાર હજુ ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે. આ કારસ્તાનમાં અનેક વાલીઓ સપડાયા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે.
આ અંગે જેતપુરમાં રહેતા તુષાર તુષાર અરવિંદભાઈ વેકરિયાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના વિપુલ મુળશંકર તેરૈયાને દબોચી લીધો હતો. આ આખોયે ખેલ કાલાવડ રોડ પર આવેલી રોયલ એકેડેમીમાંથી શરૂ થયો હતો. તુષારભાઈનો પુત્ર દ્વિજ રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતો હોય એકેડેમીના ચેરમેન રાજેશ પેથાણીએ નીટની પરીક્ષામાં સારા માર્કસ અપાવી દેવાની વાત કરી ઉદેપુર (રાજસ્થાન)ના ધવલ સંઘવીનો સંપર્ક કરાવ્યો હતો. ધવલ સંઘવીએ તુષારભાઈ સાથે વાત કરીને 60 લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ આટલા પૈસા પૈસાની સગવડ ન થઈ શકે તેમ હોવાથી દસ લાખમાં નક્કી થયું હતું.
આ પછી તુષારભાઈએ રાજેશ પેથાણીને એપ્રિલ-2024ના પ્રથમ સપ્તાહમાં દસ લાખ અને એપ્રિલના અંતમાં બીજા 20 લાખ મળી કુલ 30 લાખ રૂપિયા આપ્યા હતા. આ પછી દ્વિજનું પરીક્ષા સેન્ટર કર્ણાટકનું બેલગાવ આવ્યું હતું. અહીં દ્વિજે પરીક્ષા આપતાં તેને 460 માર્કસ આવ્યા હતા એટલા માટે ધવલ સહિતનાએ પૈસા લીધા બાદ પણ કશું ઉકાળ્યું ન હોવાનું લાગતાં જ તુષારભાઈએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ ધવલ સંઘવીએ 30 લાખ -પિયા વિપુલ તૈરૈયા તૈરૈયા અને તેના ભાઈ પ્રકાશ તરૈયાને આપી દીધા હોવાનો જવાબ આપ્યો હતો.
આ પછી રાજેશ પેથાણીની રોયલ એકેડેમી ઉપર ત્રણેયની મુલાકાત કરતા ત્રણેયે પૈસા કર્ણાટકના મનજીત જૈનને આપ્યા હોવાનું કહ્યું હતું. એકંદરે રાજેશ પેથાણી, ધવલ સંઘવી, વિપુલ તેરૈયા, પ્રકાશ તેરૈયા અને મનજીત જૈન પૈસા પરત આપવામાં ગલ્લાતલ્લા કરતા હોય આખરે ફરિયાદ નોંધાવી હતી.