બંગાળી કારીગર કળા કરી ગયો : રાજકોટના સોની વેપારીનું 76 લાખનું સોનું લઈને છૂમંતર
રાજકોટમાં અત્યાર સુધીમાં અનેક બંગાળી કારીગરો સોની વેપારીઓનું લાખો-કરોડો રૂપિયાનું સોનું લઈને છુમંતર થઈ ગયા હોવા છતાં હજુ પણ અનેક વેપારીઓની આંખ ઉઘડતી ન હોય લાખો રૂપિયાનું સોનું ગુમાવવું પડી રહ્યું છે. આવો જ વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં બંગાળી કારીગર સોની વેપારીનું 76 લાખનું સોનું ઓળવી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે સોની બજારમાં ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરિ ઓર્નામેન્ટ નામની દુકાન ધરાવતાં તરુણ કનૈયાલાલ પાટડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે છેલ્લા દોઢેક વર્ષથી સોની બજારની બોઘાણી શેરીમાં એસ. કે. ગોલ્ડ કોમ્પલેક્સના બીજા માળે જીયાન જવેલર્સ નામની દુકાન ધરાવતાં બંગાળી કારીગર અબુઝાફર ઝમાદાર બંગાળીને સોનાના ઘરેણાનું ઘાટકામ કરવા માટે આપતો હતો. દરમિયાન ગત વર્ષે 5 સપ્ટેમ્બરે અબુઝાફરને 1300.240 ગ્રામ ફાઈન સોનું આપ્યું હતું જેના બદલામાં પાંચ દિવસમાં તે ઘરેણા બનાવીને આપી જશે તેમ કહ્યું હતું. સાત દિવસ વીતી ગયા બાદ અબુઝાફરને ફોન કરતાં તેણે દુકાને આવીને થોડા સમયમાં સોનું આપી દેશે તે વાયદો કર્યો હતો.
ત્યારબાદ 14 સપ્ટેમ્બરે અબુઝાફર 400 ગ્રામ ફાઈન સોનું આપી ગયો હતો. બાકી રહેલા સોનાની ઉઘરાણી કરતાં 21 સપ્ટેમ્બરે અબુઝાફરને તરુણ પાટડિયાને કોરા ચેક અને નોટરી કરી આપ્યા હતા. 14 ઑક્ટોબરે વધુ 100 ગ્રામ સોનું આપી ગયો હતો પરંતુ બાકી નીકળતું 800.240 ગ્રામ સોનું પરત આપવાને બદલે ગલ્લા-તલ્લા કરતો હોય આખરે તેની સામે 76.80 લાખનું સોનું ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી હતી.