લખનૌ-દિલ્હી વચ્ચે આજે મુકાબલો : કે.એલ.રાહુલ આજની મેચ રમે તેવી શક્યતા ઓછી,બન્ને ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે
આઈપીએલ-૧૮નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. રવિવારે ચેન્નાઈ-મુંબઈ, રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચે કાંટે કી ટક્કર થયા બાદ ક્રિકેટરસિકો માટે આજે સોમવાર પણ પૈસાવસૂલ બની રહેવાનો છે કેમ કે આજે વેધક બોલર, વિસ્ફોટક બેટરથી ભરપૂર એવી બે ટીમ લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થવાની છે.
સાંજે ૭:૩૦ વાગ્યાથી વિશાખાપટ્ટનમ ખાતે આ મુકાબલો શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ પાસે જેક ફ્રેશર મેકગર્ક, ફાફ ડુપ્લેસીસ, કુલદીપ યાદવ, મીચેલ સ્ટાર્ક, અક્ષર પટેલ સહિતના ખેલાડીઓ છે જેઓ અનુભવી સાથે સાથે ગમે ત્યારે મેચનું પાસું પલટી નાખવા માટે સક્ષમ ગણાય છે. આ ઉપરાંત ટીમમાં યુવા ખેલાડીઓની પણ ભરમાર હોય લખનૌ સુપર જાયન્ટસ માટે કપરાં ચઢાણ રહેશે. આ ટીમની કમાન અક્ષર પટેલના હાથમાં છે જે પહેલી વખત આ જવાબદારી સંભાળશે.
જ્યારે લખનૌ સુપરજાયન્ટસ પાસે ઋષભપંત, ડેવિડ મીલર, મીચેલ માર્શ, એડેન માર્કરમ, નિકોલસ પૂરન સહિતના ફાંકડા ખેલાડીઓ છે જેઓ ૨૦૦+ રન બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
દિલ્હીએ આ વખતે કે.એલ.રાહુલને પણ ટીમમાં સામેલ કર્યો હતો પરંતુ તે આજની મેચ રમવા ઉતરે તેવી શક્યતા ઓછી છે. આ ટીમની કમાન ઋષભ પંતના હાથમાં રહેશે જેને પણ આ ટીમની જવાબદારી પહેલી વખત મળી છે. આમ બન્ને ટીમ નવા કેપ્ટન સાથે મેદાને ઉતરશે.