ટીઆરપી ગેમઝોનમાં 3000 લીટર પેટ્રોલ-ડીઝલ ક્યાંથી પહોંચ્યું ?
બેદરકાર જિલ્લા પુરવઠા અધિકારીને સસ્પેન્ડ કરો : કોંગ્રેસ
28 નિર્દોષ લોકો અગ્નિકાંડમાં હોમાઈ જવા પાછળ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જવાબદાર
રાજકોટ : રાજકોટ શહેરમાં તા.25મી મે ના રોજ કાલાવડ રોડ ઉપર નાનામવા નજીક ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 28 નિર્દોષ માનવજિંદગીનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટના પાછળ જિલ્લા પુરવઠા અધિકારીની બેદરકારી જવાબદાર હોવાનું જણાવી બુધવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી ગેમઝોનમાં 3000 લીટર જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ક્યાંથી પહોંચ્યો ? શું પેટ્રોલ ડીઝલ સંગ્રહ કરવાં માટે પુરવઠા વિભાગે પરવાનગી આપી હતી ? શું ક્યારેય પુરવઠા અધિકારી કે મામલતદારે આ બાબતે તપાસ કરી હતી ? સહિતના પ્રશ્નોની જડી વરસાવી પુરવઠા અધિકારી સહિતના જવાબદારોની જવબદેહિ નક્કી કરી તમામને બરતરફ કરવા માંગ ઉઠાવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાની સહિતના આગેવાનોએ બુધવારે જિલ્લા કલેકટર કચેરીને ગજાવી ભાજપ હે હાયના સુત્રોચાર કર્યા બાદ આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના પાછળ પ્રતિબંધિત નેપ્થા, પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થ કારણભૂત છે અને આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અને પેટ્રોલ ડીઝલનો મોટો જથ્થો સપ્લાય કરનારી કંપનીઓ જવાબદાર છે.
વધુમાં કોંગ્રેસ રજુઆત સમયે જિલ્લા કલેકટર સમક્ષ સવાલોની જડી વરસાવતા કહ્યું હતું કે, ગેમઝોનમાં 3000 લીટર જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ક્યાંથી પહોંચ્યો ? શું પેટ્રોલ ડીઝલ સંગ્રહ કરવાં માટે પુરવઠા વિભાગે પરવાનગી આપી હતી ? શું ક્યારેય પુરવઠા અધિકારી કે મામલતદારે આ બાબતે તપાસ કરી હતી ? ગેમઝોનમાં 28 માનવ જિંદગી ભરખી જનાર અગ્નિકાંડમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી સપ્લાય થયો હતો, ક્યાં વાહન મારફતે આટલો મોટો જ્વલનશીલ જથ્થો અહીં સંગ્રહવામા આવ્યો હતો તે સહિતના સવાલો ઉઠાવી પુરવઠા અને રેવન્યુના અધિકારીઓની જવાબદારી નક્કી કરી જિલ્લા પુરવઠા અધિકારીને બરતરફ કરવા માંગ ઉઠાવી હતી.