કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયા મુશ્કેલીમાં મુકાયા છે. શુક્રવારે એમની સામે મૈસુર લોકાયુક્તે ભ્રષ્ટાચાર અંગે એફઆઇઆર નોંધાવી હતી. સિદ્ધારમૈયા સામે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂપિયા 56 કરોડના પ્લોટની ફાળવણીના કથિત કૌભાંડના આરોપમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અદાલતે લોકાયુક્તને સિદ્ધારમૈયાની સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદ મૈસુરના લોકાયુક્ત એસપી ઉદેશના નેતૃત્વમાં નોંધવામાં આવી છે.મુખ્યમંત્રીના પત્ની પાર્વતીના નામે પ્લોટ ટ્રાન્સફર થયા હતા તેવો આરોપ છે.
અદાલતે સિદ્ધારમૈયા સામે સીઆરપીસીના સેક્શન 156(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સિવાય આઈપીસીની ધારા 120B, 166, 403, 420, 426, 465, 468, 340, 351 હેઠળ પણ સિદ્ધારમૈયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ કેસની તપાસ લોકાયુક્ત પોલીસ દ્વારા કરવામાં આવશે. એફઆઈઆરના આધાર પર સિદ્ધારમૈયાને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, લોકાયુક્તની પાસે ધરપકડની શક્તિ પણ હોય છે. એવામાં સિદ્ધારમૈયાની ધરપકડની પણ આશંકા છે. જોકે, તે પહેલાં જ કાયદાના નિષ્ણાંતોની સલાહ પર સિદ્ધારમૈયા આગોતરા જામીન માટે અરજી કરી શકે છે.