બેટ દ્વારકાના ડિમોલીશનમાં શાંતિ ડહોળાય તેવી ટ્વીટ
ટ્વીટમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસીને ટેગ કરાયા
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શાંત વાતાવરણ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચાલી રહી છે ત્યારે શાંતિ ઢોળવાના પ્રયાસ રૂપે એક્સ પર ટ્વિટ કરીને “અમારા લોકો તથા અમારા સંતાનો આ કાર્યવાહીને ભૂલશે નહીં” તેમ કહીને ગર્ભિત ધમકી અપાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ પોસ્ટમાં રાજ્યના ગૃહમંત્રી તથા ઓવૈસીને ટેગ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ બાબતે રાજ્યના સાયબર સેલ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ અને સર્વેલન્સ ટીમ વિગેરેની મદદથી ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.આ બાબતે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો તપાસમાં જોડાઈ છે. બનાવટી મનાતા “ગેસ્ટ ફ્રોમ માર્સ” નામની આઈડી પરથી આ પોસ્ટ કરાઈ હોય તથા લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉથી નોટિસો આપી અને આખરી નોટિસ અને સૂચનાઓ બાદ થતી આ ધોરણસર કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન હોવાથી પોલીસ દ્વારા આ અંગે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં આ ટ્વીટમાં ઓપરેશન ડિમોલિશન બાદ લોકોને બાલાપરમાં ખોરાક અને આશ્રય ન મળતો હોવાનું તથા પ્રાણીઓ મુશ્કેલીમાં હોય, વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી, તેમજ નોટિસ આપવામાં આવેલા કેટલાક સર્વે નંબર કાયદેસર હોવા સહિતની બાબત સાથેની એક્સ હેન્ડલ ઉપર “ગેસ્ટ ફ્રોમ માર્સ” નામની આઈડી પરથી ટ્વીટ પોસ્ટ કરાઈ હોવાનું સામે આવ્યું છે.